Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીય3 લોકસભા અને 29 વિધાનસભા બેઠક માટે મતદાન

3 લોકસભા અને 29 વિધાનસભા બેઠક માટે મતદાન

13 રાજયો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં પેટા ચૂંટણી માટે મતદાન : મોટાભાગની બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો

એક કેન્દ્રશાસિત પ્રદેશ અને 13 રાજ્યોમાં વિધાનસભાની 29 અને લોકસભાની 3 બેઠકો પર શનિવારે પેટા ચૂંટણી માટેનું મતદાન શરૂ થઈ ગયું છે. લોકસભાની જે બેઠકો પર પેટા ચૂંટણી થઈ રહી છે તેમાં દાદરા અને નગર હવેલી, હિમાચલની મંડી અને મધ્ય પ્રદેશની ખંડવાનો સમાવેશ થાય છે. આસામની 5, બંગાળની 4, મધ્ય પ્રદેશ, હિમાચલ અને મેઘાલયની 3-3, બિહાર, રાજસ્થાન અને કર્ણાટકની 2-2 અને આંધ્ર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ અને તેલંગાણાની 1-1 વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલુ છે.

મોટા ભાગની બેઠકો પર મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે છે. ચૂંટણી પંચે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને પેટા ચૂંટણીમાં અનેક પ્રતિબંધો લગાવ્યા છે.

મધ્ય પ્રદેશમાં ખંડવા સંસદીય ક્ષેત્ર સહિત પૃથ્વીપુર, જોબટ અને રૈગાંવ વિધાનસભા ક્ષેત્રોની પેટા ચૂંટણી માટે શનિવારે સવારે 7:00 વાગ્યાથી જ મતદાન ચાલુ છે. ચારેય બેઠકો પર કુલ 26 લાખ 50 હજાર મતદારો 48 ઉમેદવારોના નસીબનો નિર્ણય લેશે. આ માટે 865 મતદાન કેન્દ્રોને સંવેદનશીલ કેન્દ્રોની યાદીમાં રાખવામાં આવ્યા છે.

આગામી 2 નવેમ્બરના રોજ મતગણતરી થશે. નાગાલેન્ડમાં પણ વિધાનસભાની એક બેઠક પર પેટા ચૂંટણીની ઘોષણા કરવામાં આવી હતી પરંતુ 13 ઓક્ટોબરના રોજ નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના એક ઉમેદવારને ત્યાં નિર્વિરોધ નિર્વાચિત ઘોષિત કરી દેવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular