છોટા ઉદયપુર જિલ્લાના સંખેડા ગામની સેવા સદન કચેરીમાં સર્કલ ઓફિસરને જાગૃત નાગરિકના પિતાજીના મૃત્યુબાદ વડીલોપાર્જિત જમીનમાં સભ્યોના નામો વારસાઇમાં ઉમેરવા માટે રૂા.14000ની લાંચ લેતાં વડોદરા એસીબીની ટીમે છટકું ગોઠવી રંગે હાથ ઝડપી લીધાં હતાં.
આ અંગેની વિગત મુજબ છોટા ઉદયપુર જિલ્લા સંખેડા તાલુકામાં રહેતા એક નાગરિકે તેના પિતાજીનું મૃત્યુ થવાથી વડીલોપાર્જિત જમીનમાં તેનું તથા પરિવારનાં સભ્યોનાં નામો વારસાઈમાં ઉમેરવાનાં હોય જેથી આ કામે તાલુકા સેવા સદન સંખેડા ખાતે અરજી કરી અને સેવા સદનમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાકેશ જેઠા પાટીદારને મળતા તેણે નાગરિકની અટકમાં ભૂલ છે. તેમ જણાવતાં જાગૃત નાગરિકે પિતાજીની સુધારેલ અટક વાળી ગેઝેટની નકલ રજૂ કરી હતી. જયારબાદ સર્કલ ઓફિસરે સુધારેલ અટક સાથે વારસાઈ ની નોંધ કરવા સારું રૂ. 15,000 લાંચ ની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂ.14,000ની લાંચ આપવાનું નકકી થયું હતું આ લાંચ મામલે નાગરિકે વડોદરા મદદનીસ નિયામક એસ.એસ.ગઢવીને ફરિયાદ કરી હતી.
ત્યારબાદ એસીબી પીઆઇ જે.આર.ગામીત તથા સ્ટાફે આજે છટકું ગોઠવી સંખેડામાં તાલુકા સેવાસદન કચેરીમાં સર્કલ ઓફિસર રાકેશ પાટીદારને તેની જ ઓફિસમાં રૂા.14,000ની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથધરી હતી.