થોડા સમય પહેલા અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા બ્રેઇન ટ્યુમરથી પીડિત બાળકીને એક દિવસ માટે કલેકટર બનાવવામાં આવી હતી. 11 વર્ષીય દીકરી ફ્લોરા આસોડિયાની કલેકટર બનવાની ઈચ્છા હતી. પરંતુ ગઈકાલના રોજ તેણી જિંદગી સામે જંગ હારી ગઈ છે. બહાદુર ફ્લોરાના નિધન અંગે અમદાવાદ જીલ્લા કલેકટરે ટ્વીટર પર શ્રદ્ધાંજલિ આપતા દુઃખ વ્યક્ત કર્યું છે. અને તેના પરિવારજનોને સાંત્વના પાઠવી છે.
છેલ્લા સાતેક માસથી ‘બ્રેઇન ટયુમર’ની બીમારીથી પીડાતી અને છેલ્લા એક માસથી લગભગ પથારીવશ થઇ ગયેલી ધો.7માં અભ્યાસ કરતી ફ્લોરાની ઇચ્છા કલેક્ટર બની સમાજ સેવામાં યોગદાન આપવાની હતી. ટાઇફોડ થયા બાદ તેને બ્રેઇનટયુમર થયાનું નિદાન થયું હતું. તેનું ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન પણ કરાયું હતું પરંતું તેને જોઇએ તેટલો ફાયદો થયો નહતો.
તે હંમેશા કહેતી કે ‘પપ્પા હું મોટી થઇને કલેક્ટર બનીશ’. સમાજ સેવા કરીશ. આ સાંભળી ઘરના બધા સભ્યો ખુશ થઇ જતા. પરંતુ નસીબે તેનું આ સ્વપ્ન પુરૂ થવામાં અડચણો ઉભી કરી દીધી. આ અંગે જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ જણાવ્યું હતું કે ફ્લોરા અંગેની માહિતી તેઓને એક સ્વયં સેવી સંસ્થા તરફથી મળી હતી અને બાદમાં તેણીને એક દિવસ માટે કલેકટર બનાવવામાં આવી હતી. તેને કલેક્ટરની ઓફિસમાં કલેક્ટરની સીટ પર બેસાડી હતી. કલેક્ટરના નામવાળી તેની નેમ પ્લેટ પણ બનાવાઇ હતી. અને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત પણ કરવામાં આવી હતી.


