ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળની ઔધોગિક તાલીમ સંસ્થા જામનગર દ્વારા આઈ.ટી.આઇ. કેમ્પસ જામનગર ખાતે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીની પ્રેરક ઉપસ્થિતીમાં નેશનલ અપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નોકરીદાતા તરીકે 16 જેટલા વિવિધ ઔદ્યોગિક એકમો તેમજ 170 ઉમેદવારોએ રોજગારી હેતુ રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. જેમાનાં 103 ઉમેદવારોને નોકરીદાતાઓ તરફથી સ્થળ પર જ એપ્રેન્ટીસ અંગેના નિમણુંક પત્રો એનાયત કરાયા હતા. જેમાં વધુમાં વધુ વેલ્ડર તથા ડિઝલ મેકેનીકમાં તાલીમાર્થીઓનો રસ જોવા મળ્યો ત્યારબાદ ફિટર અને ટર્નરમાં ઉમેદવારોની પસંદગી થઈ હતી.
આ પ્રસંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, સરકારી તથા ખાનગી ક્ષેત્રે વધુમાં વધુ યુવાઓને રોજગારી પ્રાપ્ત થાય તે માટે રાજ્યના ભુતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભરતી મેળાની શરૂઆત કરેલ હતી જેની ફળશ્રુતી સ્વરૂપે આજે રાજ્યના લાખો યુવાનો રોજગારી મેળવી સક્ષમ બન્યા છે તેમજ આવા એપ્રેન્ટીસ ભરતી મેળાઓ રાજ્યના વિકાસનું પણ માધ્યમ બન્યા છે.
જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીએ આ પ્રસંગે યુવાઓને કૌશલ્ય વિકાસ પર ભાર મુકતા જણાવ્યુ કે, એપ્રેન્ટીસ તરીકે જોડાઈ યુવાઓને જે તે ઔધોગિક એકમોની કાર્યપદ્ધતીનો જાત અનુભવ થાય છે જેના થકી યુવાઓને પોતાના કૌશલ્ય વિકાસમાં ખૂબ મદદ મળે છે તેમજ રાજ્ય સરકારના આ પ્રકારના આયોજનો થકી અનેક ઔધોગિક એકમોને પણ પ્રોત્સાહન મળે છે અને તેઓ પણ યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય તે માટે પોતાનું યથાયોગ્ય યોગદાન આપી શકે છે.
આ પ્રસંગે આઈ.ટી.આઈ. જામનગરના આચાર્ય એમ.એમ.બોચીયા, મહિલા આઈ.ટી.આઈ.ના આચાર્ય જીગ્નેશ વસોયા, લાલપુર આઈ.ટી.આઈ.ના આચાર્ય નિતીન ચનીયારા તેમજ વિવિધ કંપનીઓના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યાં હતા.