જામનગર તાલુકાના બેડ ગામની નદીમાંથી મળી આવેલો મૃતદેહ જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતાં યુવાનનો હોવાની ઓખળ થઈ હતી. કાલાવડ નજીક આવેલી ધોરાવડી નદીના બેઠા પુલ પરથી બાઈક પર પસાર થતો યુવાન પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં આવેલા વેણુ નદીના કોઝ-વે પરથી બળદગાડા સાથે તણાઈ જતા વૃધ્ધ અને બે બળદોના મોત નિપજયા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ધરારનગર 2 વિસ્તારમાં રામદેવપીર મંદિરની સામે રહેતા હરદેવસિંહ રાજમલજી જાડેજા (ઉ.વ.30) નામનો યુવાન મંગળવારે સવારે તેના ઘરેથી સેવકધુણિયા ગામમાં રહેતાં તેમના માસીના ઘરે જવાનું કહી નિકળ્યા બાદ બુધવારે જામનગર તાલુકાના બેડ ગામની નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણના આધારે હેકો સી.ડી. ગાંભવા તથા સ્ટાફે મૃતકની ઓળખ મેળવતા મૃતદેહ હરદેવસિંહનો હોવાની તેના ભાઇ સુખદેવસિંહ જાડેજા દ્વારા ઓળખ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ ગામમાં બસ સ્ટેન્ડ પાસે રહેતા બિજલ ભીખાભાઈ કાટોડિયા (ઉ.વ.45) નામનો યુવાન બુધવારે સવારે ધોરાવડી નદીના બેઠા પુલ પરથી તેની બાઇકમાં પસાર થતો હતો તે દરમિયાન પાણીમાં બાઈક સ્લીપ થઈ જવાથી નદીના પાણીના પ્રવાહમાં તણાઇ જતા ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ અંગેની જાણના આધારે હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર દોડી જઈ યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના ભાઈ કાનજીભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રહેતા ધાનસુરભાઈ અમરાભાઈ ભાસડિયા (ઉ.વ.55) નામન) પ્રૌઢ ગત તા.27 ના સોમવારે બપોરના સમયે ગીંગણીથી બાવીસકોટડા ગામ તરફના કાચા માર્ગ પર વેણુ નદીના પુલ પરથી બળદગાડામાં પસાર થતા હતાં તે દરમિયાન એકાએક પાણીનો પ્રવાહ વધી જવાથી પ્રૌઢ બન્ને બળદ સાથે તણાઈ જતાં લાપત્તા થયા હતાં. જો કે, ઘટનાના દિવસે જ બન્ને બળદોના મૃતદેહો મળી આવ્યાં હતાં જ્યારે પ્રૌઢ ધાનસુરભાઈનો મૃતદેહ બુધવારે સવારે મળી આવતા હેકો જી.આઇ. જેઠવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના ભાઈ પાલાભાઈનું નિવેદન નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બેડ નદીમાંથી સાંપડેલો મૃતદેહ જામનગરના યુવાનનો હોવાની ઓળખ
ધોરાવડી નદીમાં તણાયેલા બાઇકસવાર યુવાનનો મૃતદેહ સાંપડયો : ગીંગણીમાં બળદગાડા સાથે તણાયેલા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો