કલ્યાણપુર તાલુકાના બામણાસા ગામે શનિવારે સવારે નદીના પાણીમાં અકસ્માતે પડી ગયેલા બે યુવાનો પૈકી લાપતા બનેલા બીજા એક યુવાનનો મૃતદેહ રવિવારે સવારે મળી આવ્યો હતો.
કલ્યાણપુર તાલુકાના બામણાસા ગામે શનિવારે સવારે નદીના પાણીમાં અકસ્માતે પડી ગયેલા બે યુવાનો પૈકી લાપતા બનેલા બીજા એક યુવાનનો મૃતદેહ આજે સવારે મળી આવ્યો હતો. આ કરૂણ બનાવની વિગત મુજબ કલ્યાણપુરથી આશરે 35 કિલોમીટર દૂર બામણાસા ગામે હાલ હરીપર ગામે રહેતા દશરથસિંહ નારુભા વાઢેર તથા તેમના ભાઈ અજીતસિંહ નારુભા વાઢેર નામના બે બંધુઓ શનિવારે સવારે દસેક વાગ્યે આ ગામની નદીના પાસે ઢોર ચરાવવા ગયા હતા, ત્યારે પાણીના શેવાળમાં લપસી જતાં બંને યુવાનો નદીના પાણીમાં લાપતા બન્યા હતા. જે પૈકી શનિવારે બપોરે દશરથસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો અને અજીતસિંહની શોધખોળ માટે આર.એસ.પી.એલ. કંપની તથા એનડીઆરએફની ટીમ દ્વારા સ્થાનિક તરવૈયાઓને સાથે રાખીને શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ શનિવારે રાત્રીના અજીતસિંહનો કોઈ પત્તો મળ્યો ન હતો. પરંતુ ગઈકાલે રવિવારે સવારે ઘટના સ્થળથી થોડે દૂર પાણીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમગ્ર બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.