જામનગર મહાપાલિકા દ્વારા જાહેર કરાયેલી પાર્કિંગ પોલિસીમાં અગાઉ આપણે પ્રિમયિમ પાર્કિંગ સ્થાનો અંગે જાણકારી મેળવ્યા બાદ હવે પાર્કિંગ પરમિટ અંગે જાણકારી મેળવીશું. જામ્યુકોની પોલિસીમાં આ અંગે શું જોગવાઇ કરવામાં આવી છે?
રાત્રી દરમ્યાન તથા લાંબાગાળાનું ઓન સ્ટ્રીટ પાર્કિંગ ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં રસ્તાના પાર્કિંગ માટે જોખમી રહે છે. આવા રસ્તાઓ ઉપર ફ્રી પાર્કિંગ અવર-જવર માટે સમસ્યા ઉભી કરે છે. ત્યારે જામનગર મહાપાલિકાએ આવા અધિકૃત વાહનના માલિકોને તેમના ઘર અથવા કામના ક્ષેત્રની નજીકમાં નક્કી કરેલા પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરવા માટે પરમિટ આપવાની રહેશે. આ પરમિટ એક વર્ષ બાદ રિન્યુ કરાવવાની રહેશે.
જામ્યુકો દ્વારા કુલ બે પ્રકારની પરમિટ આપવાનું પોલિસીમાં સુચવવામાં આવ્યું છે. જેમાં 1. રેસીડેન્ટ પરમિટ 2. વર્કઝોન પરમિટ. રેસીડેન્ટ પરમિટ એવા લોકોને આપવામાં આવશે જેમનું ઘર રસ્તાના એવા ભાગમાં હોય જયાં પાર્કિંગ સમય તથા ચાર્જિંસનું નિયમન થતું હોય. અથવા એવા લોકો કે જેમનું ઘર એવા વિસ્તારમાં હોય જયાં વારંવાર મોટા આયોજનો થતાં હોય. જેમકે, સ્ટેડિયમ, ગ્રાઉન્ડ, ઓડિટોરિયમ કે જયાં વારંવાર પાર્કિંગ પ્રતિબંધિત કરવું પડે.
વર્કઝોન પરમિટ એવા લોકોને આપવાની થશે જેમનું કાર્યક્ષેત્ર એટલે કે ઓફિસ, બિઝનેસીસ વગેરે પાર્કિંગની નિયત કરેલી જગ્યાને નજીક હોય.જે લોકોને આ પ્રકારની પરમિટ આપવામાં આવશે તેમણે તે પરમિટ તેના વાહનોની સિલ્ડ પર લગાવીને ડિસપ્લે કરવાની રહેશે. કાર્યક્ષેત્ર આપવામાં આવતી પરમિટ ચોકકસ સમયગાળા દરમ્યાન તથા અઠવાડિયાના ચોકકસ દિવસો માટે મર્યાદિત રહેશે. મહાપાલિકાનું ટ્રાફિક સેલ આ પ્રકારની પરમિટ ઇસ્યુ કરશે. વાહન માલિકો દ્વારા પોતાના ઘરનું અથવા કાર્યક્ષેત્રના સરનામાનું પ્રુફ આપ્યાબાદ આ પરમિટ ઇસ્યુ કરવામાં આવશે.
પાર્કિંગ પરમિટના સુચિત ચાર્જિંસ :-
જામ્યુકોની પાર્કિંગ પોલિસીમાં પાર્કિંગ પરમિટ માટે જે ચાર્જ સુચવવામાં આવ્યા છે. તે મુજબ નોર્મલ પાર્કિંગ એરિયામાં ટુ-વ્હિલર માટે વાર્ષિક રૂા.1825, કાર માટે રૂા.3650, હળવા ધંધાદારી વાહનો માટે રૂા.7300 અને ભારે ધંધાદારી વાહનો માટે રૂા.10,950 વસુલવા પ્રપોઝલ કરવામાં આવી છે. જયારે પ્રિમિયમ પાર્કિંગ એરિયામાં આ દરો અનુક્રમે રૂા.3,650, રૂા.7,300, રૂા.10,950 અને રૂા.14,600 પ્રપોઝ કરવામાં આવ્યા છે. આ ચાર્જિસ એક વર્ષની પરમિટ માટેના છે. વાહન ચાલકોને આ પરમિટ દર વર્ષે રિન્યુ કરવાની રહેશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, પાર્કિંગ માટેના સુચિત સ્થાનો અને ચાર્જિંસ હજુ માત્ર ડ્રાફટ પોલિસી જ છે. જેમાં મંજૂરી સમયે કોઇપણ પ્રકારના ફેરફારો થઇ શકે છે.