પીજીવીસીએલ દિવાળી બાદ તુરંત જ પ્રી-મોન્સૂન કામગીરી શરૂ કરી દે છે, દરેક સબ ડિવિઝનમાં આખું વર્ષ નાનું-મોટું મેન્ટેનન્સ પણ કરાય છે છતાં વરસાદ આવે ત્યારે અનેક વિસ્તારોમાં અંધારપટ સર્જાય જ છે, ઉનાળામાં કેબલ ગરમ થવાથી, બળી જવાથી, ટ્રાન્સફોર્મર બળી જવા સહિતના જુદા જુદા કારણોસર વીજળી ગુલ થાય જ છે.
પીજીવીસીએલમાં આખા સૌરાષ્ટ્રમાં એક વર્ષમાં જેટલી ફરિયાદો નોંધાય છે તેમાંથી 29% ફરિયાદો એકલા રાજકોટ શહેરમાં નોંધાઈ હોવાનું બહાર આવ્યું છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી એક વર્ષમાં 60,527 ફરિયાદ ફોલ્ટ સેન્ટર્સ અને ગ્રાહક સેવા કેન્દ્રોમાં નોંધાઈ છે જેમાંથી 17,300થી વધુ ફરિયાદો માત્ર રાજકોટ શહેરમાંથી થઇ છે.
પીજીવીસીએલમાં સૌરાષ્ટ્રમાં લાઈન સ્ટાફ અને જુનિયર ઈજનેરથી લઈને સિનિયર ઈજનેરો સુધીની અનેક જગ્યાઓ ખાલી પડી છે. ફોલ્ટ નિવારવા મુખ્યત્વે લાઈનસ્ટાફની જરૂર રહેતી હોય છે તેની પણ ખાલી જગ્યાઓને કારણે વર્તમાન સ્ટાફ બધે જ ફરિયાદો નિવારવા પહોંચી શક્તા નથી, અથવા ફરિયાદ નિવારવામાં વિલંબ થતો હોય છે. જુલાઈમાં લેવામાં આવેલી ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષાના પરિણામ કે ઓર્ડર હજુ સુધી જાહેર કરાયા નથી.
સૌરાષ્ટ્રમાં જુદા જુદા ગામડાં અને તાલુકા કક્ષાના લોકો મોટેભાગે ત્યાંની સ્થાનિક કચેરીએ ફરિયાદ કરતા હોય છે, જ્યારે શહેરના લોકો જાગૃત હોય ગ્રાહક સેવા કેન્દ્રના નંબર પર જાણ કરે છે તેથી શહેરની ફરિયાદની સંખ્યા પ્રમાણમાં વધુ રહે છે.
પીજીવીસીએલના ગ્રાહક સેવા કેન્દ્રમાં ગ્રાહકો જુદી જુદી ફરિયાદો કરતા હોય છે જેમાંથી કેટલીક ફરિયાદો સાચા અર્થમાં હકીકતલક્ષી હોય છે તો કેટલીક બિનજરૂરી કે પરેશાન કરવા પણ કરતા હોય છે. મુખ્ય ફરિયાદોમાં મીટર ફાસ્ટ ફરે, મીટર બળી ગયું છે, મીટર ત્રાસું થઇ ગયું છે, વધુ બિલ આવે છે, બિલ સમયસર મળતું નથી, તાર નીચે લટકે છે, વાયર ઢીલા થઇ ગયા છે, થાંભલા ત્રાસા થઇ ગયા છે કે નમી ગયા છે, ટ્રાન્સફોર્મર બળી જવા, ટ્રિપિંગ આવે છે, ડીમ પાવર આવે છે, હાઈવોલ્ટેજ પાવર છે, અર્થિંગ બરાબર નથી.