સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો સુનાવણી હાથ ધરી છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠે કહ્યું હતું કે અમે સાબરમતી નદીને પ્રદૂષણમુક્ત બનાવવા ઇચ્છીએ છીએ. અહીં પ્રદૂષણ કરનારા કોઇપણ વ્યક્તિ, કંપની કે અન્ય જવાબદારોને છોડવામાં નહીં આવે. નદીમાં ઝેરી પ્રદૂષણ ફેલાવનારા એકમોને સીલ કરવાનો આદેશ પણ અમે કરી શકીએ તેમ છીએ.ખંડપીઠ સમક્ષ કોર્ટમિત્ર (એમિકસ ક્યુરી) દ્વારા સ્થળ મુલાકાત બાદ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં બહાર આવ્યું હતું સાબરમતી નદીમાં વહેતા સુએજના પાણીથી ખેતી કરવા માટે કલેક્ટરે જ એક સહકારી ખેત મંડળીને પરવાનગી આપી છે. મોટા પંપહાઉસ દ્વારા સુએજના પાણીને ખેચી સંખ્યાબંંધ ખેતરોના પાણી અપાતું હોવાનો ખુલાસો રિપોર્ટમાં થયો છે.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઉદ્દેશીને કહ્યું હતું કે નાગરિકોના સ્વાસ્થયની જાણવણી માટે અને પ્રદૂષણમુક્ત પરિસ્થિતિ માટે જો કોર્પોરેશન કડક પગલાં લેશે તો યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાશે. આવી યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો પણ કોઇ વાંધો નથી. કોઇપણ ઔદ્યોગિક એકમ હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે. ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે અમે આદેશો તો ઘણાં આપીએ છીએ પણ તેનો અમલ થાય તે જરૂરી છે.
કોર્ટે કહ્યું હતું કે નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પણ તે ટ્રીટ થઇ શકતું નથી. શું તંત્ર પાસે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને અપડેટ કરવાનું કોઇ આયોજન છે ખરું? ઔદ્યોગિક એકમો ઝેરી કેમિકલયુક્ત પાણી નદીમાં ઠાલવતા હોવાથી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દીવસે ને દીવસે ખરાબ થઇ રહ્યો છે. ઝેરી કેમિલક છોડનારા એકમો સામે ફોજદારી કાર્યવાહી કરવા અને તેમને બંધ કરવા સુધીની કાર્યવાહી કરવા કોર્ટે નિર્દેશ આપ્યો છે. જી.પી.સી.બી. અને કોર્પોરેશન નાગરિકોના હિતમાં કાર્યવાહી કરશે તેવી આશા છે. આ ઉપરાંત રેકર્ડ પર મૂકવામાં આવે કે પ્રદૂષણ ફેલાવનારા એકમોને શોધીને તેમની સામે પગલાં લેવામાં આવ્યા છે.
કોર્ટમિત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે સાબરમતીના પ્રદૂષિત પાણીમાંથી નિરોલી પિયત સહકારી મંડળી દ્વારા સંખ્યાબંધ ખેતરોને ખેતી માટે પાણી આપવામાં આવે છે. જેના માટે અમદાવાદ કલેક્ટરે તેમને પરવાનગી પણ આપી છે. સુએજના પાણીનો ઉપયોગ ખેતી માટે કરવા માટે અહીં મોટું પંપહાઉસ પણ ઉભું કરવામાં આવ્યું છે. જેના કારણે જમીન પ્રદૂષણ પણ ફેલાઇ રહ્યું છે.
જામનગરની નદી સમસ્યાઓનો અડ્ડો : સૌ ચૂપ !
અત્રે આપણે અમદાવાદની સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે વડિઅદાલત દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાને લગાવવામાં આવેલાં શાબ્દિક ચાબખાઓ જોયા. જામનગરની નદી પણ સમસ્યાઓનો અડ્ડો છે. લાલપુર બાયપાસથી માંડીને વાયા કાલાવડ નાકા-ધુવાવ નાકા-બેડેશ્ર્વર સુધી નદીમાં મોટા પાયે દબાણો થયા છે. ગંદકી એટલી સખત છે કે, આખી નદી ગટર બની ગઇ છે. નદીના પ્રદૂષણ અને દબાણો અંગે કયાંયથી, કોઇ અવાજ ઉઠતો નથી. તાજેતરમાં જામનગરમાં જળહોનારત સર્જાઇ તેમાં પણ નદીના દબાણોનો ફાળો મોટો છે. આ દબાણોને કારણે વરસાદી પાણીનો નિકાલ અવરોધાયો હતો. જેને પરિણામે શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતાં અને નગરજનોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. જામનગર મહાનગરપાલિકા ઉપર પણ સ્થાનિક અદાલત દ્વારા પ્રદૂષણ અને દબાણો મુદ્દે આકરી કાર્યવાહી કરવામાં આવે એવું ઘણાં બધા નગરજનો ઇચ્છી રહ્યા છે.