જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલા ગોદરિયાવાસમાં રહેતો યુવાન તેના ઘરે પડી જતાં ઈજા પહોંચતા જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર શહેરના પુનિતનગર વિસ્તારમાં રહેતા યુવાન એકાએક બેશુદ્ધ થઈ જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલા ગોદરિયાવાસ વિસ્તારમાં રહેતાં અને મજૂરીકામ કરતા જગમોહન ખંજુભાઈ જાટવ (ઉ.વ.30) નામનો શ્રમિક યુવાન સોમવારે સાંજના સમયે તેના ઘરે વાસણ ધોવાની ચોકડીમાં ગયો ત્યારે અકસ્માતે પડી જતાં મોઢામાં ઈજા પહોંચતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મુકેશ દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. ડાંગર તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના પુનિતનગર શેરી નં.3 માં હનુમાનજીના મંદિર પાસે રહેતા હરેન્દ્રસિંહ અભેયસિંહ જાડેજા (ઉ.વ.32) નામનો યુવાન ભારે વરસાદના કારણે ભરાયેલા પાણીમાંથી લોકોને તથા સામાન બહાર કાઢતા હતાં તે દરમિયાન યુવાનને અચાનક લોહીની ઉલટી થતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે અરવિંદસિંહ દ્વારા જાણ કરાતા હેકો જે.બી.ઝાલા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર તાલુકાના દરેડમાં ઘરે પડી જવાથી શ્રમિક યુવાનનું મોત
સારવાર કારગત ન નિવડી : પુનિતનગરમાં બેશુદ્ધ થઈ જતાં યુવાનનું મૃત્યુ