તા.10 સપ્ટેમ્બરના રોજ સાંસદ પૂનમબેન માડમના હસ્તે સરકારતથા ન્યારા એનર્જીના સહયોગથી પ્રાપ્ત થયેલ એમ્બ્યુલન્સને સી.એચ.સી લાલપુરને અર્પણ કરવામાં આવી હતી.
આ તકે સાંસદએ જણાવ્યું હતું કે, કોવિડની મહામારી દરમિયાન સી.એચ.સી લાલપુર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખુબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે ત્યારે સી.એચ.સી લાલપુરની કામગીરીને વધુ સુલભ બનાવી શકાય તે માટે એક એમ્બ્યુલન્સની આવશ્યકતા હતી જે ન્યારા એનર્જી દ્વારા આપવામાં આવી છે. આવા સુંદર લોકોપયોગી કાર્યો માટે કંપનીનું કદમ અભિનંદનને પાત્ર છે, સાથે જ કોવિડ સંક્રમણને રોકવા માટે વેક્સિનેશનએ જ અસરકારક હથિયાર છે ત્યારે તમામ લોકો કોવિડની રસી લઇ આ રોગથી બચે. આગામી 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પહેલા જામનગર જિલ્લાના 125 ગ્રામ્ય વિસ્તારોમાં સો ટકા રસીકરણ પૂર્ણ થશે અને આ માટે તમામ સમાજના લોકો સાથ અને સહકાર આપી રસીકરણ અભિયાનમાં જોડાય તેવી અભ્યર્થના સાંસદએ વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયાએ કહ્યું હતું કે, લોકો તંદુરસ્ત રહે એમ્બ્યુલન્સનો વધુ ઉપયોગ ન કરવો પડે તેવી પ્રાર્થના પ્રભુને કરી હતી, પરંતુ આ મહામારી દરમિયાન અને હવે સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે લાલપુરને એમ્બ્યુલન્સ સાથે જ જામજોધપુરને પણ ઓક્સિજનનો પ્લાન્ટ મળેલ છે તો આવી તકેદારીઓ સાથે હવે જામનગર ત્રીજી લહેર સામે લડવા સજ્જ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નાગરિકો દ્વારા તથા આગેવાનો દ્વારા બીજા વેવ દરમિયાન સીએચસી લાલપુરની કામગીરી સારી હોવાને લીધે જીજી હોસ્પિટલના ભારણમાં ઘટાડો થયો હતો. અને સારી સેવાને કારણે દર્દીઓ સીએચસી લાલપુરમા પણ કોવીડ-19ના ગંભીર કેસોમા સારવાર ઉપલબ્ધ કરાવી હતી. ત્યારે સાંસદને તથા પદાધિકારીઓને જણાયું કે લાલપુર સીએચસી વધારાની એમ્બ્યુલન્સની ખાસ જરૂર છે.આ આહવાન સાંસદના માધ્યમથી ન્યારા એનર્જીની કરતા માનવસેવા ભાગ રૂપે ન્યારા એનર્જીએ આ એમ્બ્યુલન્સની ભેટ આપી. સરકાર દ્વારા અને વડાપ્રધાનની દીર્ઘદષ્ટિને કારણે હાલ દેશમાં દરેક જિલ્લામાં મેડીકલ કોલેજ બની રહી છે. જે દેશમાં તબીબોની ઘટ સત્વરે પૂરી પાડશે. ન્યારા એનર્જી દ્વારા આવા આરોગ્ય ક્ષેત્રે યોગદાન આપવા હંમેશા તત્પરતા બતાવી છે. તે સેવાને સાંસદદ્વારા બિરદાવવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખધરમશીભાઈ ચનિયારા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશભાઈ, સિંચાઇ સમિતિના ચેરમેન વિનોદભાઈ, બાંધકામ સમિતિના ચેરમેન કે.બી.ગાગીયા, લાલપુર ગામના સરપંચ સમીરભાઈ, લાલપુર તાલુકા પંચાયત પ્રમુખધનાભાઈ તેમજ ન્યારા એનર્જીના વાઇસ ચેરમેન દિપકભાઈ અરોરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ.જી. બથવાર, સી.એચ.સી લાલપુરના અધિક્ષક ડો. દિપ્તીબેન જોશી વગેરે પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.