દેશભરમાં કોરોના સંક્રમણમાં સપડાતાં જીવ ખોનારા લોકોના પરિવારોને વળતર આપવા તેમજ મોતનું પ્રમાણપત્ર આપવા માટેની માર્ગદર્શિકા તૈયાર કરવામાં વિલંબ બદલ નારાજગી દર્શાવતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્રનો કાન આમળીને કહ્યું હતું કે, તમે આ બધું કરશો ત્યાં સુધી તો ત્રીજી લહેર પણ ખતમ થઈ જશે.
સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને એક સપ્તાહમાં 11મી સપ્ટેમ્બર સુધીમાં આ સંબંધમાં અનુપાલન અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ એમ.આર. શાહ અને અનિરુદ્ધ બોસની ખંડપીઠે કહ્યું હતું કે, અમે ઘણો વહેલો આદેશ આપ્યો હતો, તેમ છતાં તમે કંઈ જ કર્યું નથી.
કોવિડમાં જીવ ખોનારાના પરિવારોને વળતર અને મોતનું પ્રમાણપત્ર જારી કરવાનો ફેંસલો 30મી જૂનના દેવાયો હતો, પરંતુ હજુ સુધી કંઈ નથી કરાયું.
કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, તમામ બાબતો વિચારણા હેઠળ છે, તેની ખાતરી આપીએ છીએ. અરજી કરનાર ગૌરવકુમાર બંસલે કહ્યું હતું કે, ટોચની અદાલતે 16 ઓગસ્ટના મુદત ચાર સપ્તાહ લંબાવી જ આપી હતી. હવે હજુ વધુ સમય માગવાનો મતલબ નથી. બાબતો વિચારાધિન હોવાના બહાના હેઠળ વધુ વિલંબ કરવો યોગ્ય નથી, તેવું બંસલે કોર્ટ સમક્ષ વાત કરતાં ઉમેર્યું હતું.
દેશમાં કોરોના વાયરસના મામલા ફરીથી વધી રહ્યા છે. માર્ચ 2020 પહેલા ઘણા વિદેશ યાત્રી અલગ અલગ વીઝા’ ઉપર દેશમાં આવ્યા હતા અને પછી મહામારીના કારણે દેશમાં જ ફસાયા હતા. આવા યાત્રીઓને સરકારે ઈ વીઝા અને રેગ્યુલર વીઝાની અવધિને વધારીને ભારતમાં જ રહેવાની સુવિધા આપી હતી. અગાઉ સુવિધા 31 ઓગષ્ટ સુધી વધારવામાં આવી હતી અને હવે વિદેશી મુસાફરો માટે સુવિધાની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે.