કેન્દ્ર સરકારના જે ત્રણ કૃષિ કાયદાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે, તે કાળા કાયદાની આડઅસર ગુજરાતની રર4 એપીએમસીમાં ઓછા-વત્તા અંશે વર્તાઇ રહી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. બદલાયેલા કૃષિ કાયદા બાદ રાજયની 15 એપીએમસીને તાળાં લાગી ગયા છે. એટલું જ નહીં ટૂંક સમયમાં 114 એપીએમસી બંધ થઇ જાય તેવી નોબત ઊભી થઈ છે. આ ઉપરાંત કેટલીક એપીએમસીની આવક સદંતર બંધ થઇ જતાં કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ ફાંફાં પડી રહ્યા છે.
નવો કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે ખેડૂતો હજૂ પણ દિલ્હી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લાંબા ગાળે ખેડૂતો અને એપીએમસીની ઘોર ખોદનાર આ કાળો કાયદો રદ કરવા દેશભરમાંથી અવાજ ઊઠી રહ્યો છે. આ અંગે માહિતી આપતા એપીએમસી કર્મચારી મંડળના પ્રમુખ અજિતરસિંહ અટોદરીયાએ જણાવ્યું હતું કે, નવા કાયદાની અમલવારી બાદ ગુજરાતની 224 એપીએમસીની હાલત કથળી છે. નાની માર્કેટની આવક સદંતર બંધ થઇ જવા પામી છે. જયારે વર્ષે દહાડે કરોડોનું ટર્નઓવર ધરાવતી બજાર સમિતિઓની આવકને અસર પડી છે.
નાની બજાર સમિતિની આવક બંધ થતાં તેઓએ માર્કેટને તાળાં મારી દેવાની ફરજ પડી છે. જયારે કેટલીક માર્કેટના હોદેદારોએ કર્મચારીઓને છૂટા કરવા પડ્યાં છે. બીજી તરફ કેટલીક બજાર સમિતિએ અડધા કર્મીઓને છૂટા કરી બાકીના કર્મચારીઓના પગાર ઘટાડી પોતાના ફંડમાંથી પગાર ચૂકવી રહ્યા છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતની બજાર સમિતિના કર્મચારીઓની આજીવિકાની સલામતી માટે ગાંધીનગરના દરવાજા ખખડાવ્યા છે.
રાજયની 224 એપીએમસીના 3000 કર્મચારીને સરકાર અથવા માર્કેટ બોર્ડ હસ્તક લઈ લેવામાં રજૂઆત કરી છે. નવા કાયદા બાદ સર્જાયેલી કર્મચારીઓની સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવવા કર્મચારી મંડળ વતી માંગણી કરી છે.
બંધ થયેલી એપીએમસીમાં સોનગઢ, કડાણા, કઠલાલ, ધારી, ઉમરેઠ, વંથલી, તાલાલા, ધરમપુર, માંગરોળ, ગારિયાધાર, ખેડા, વિજયનગર, સંતરામપુર, શિહોર, તિલકવાડાનો સમાવેશ થાય છે.