જીંદગીનું કોઇપણ ક્ષેત્ર હોય, કવોલિટી ઉર્ફે ગુણવતા સૌથી મહત્વની ચીજ છે. એમાં પણ વાત જયારે શિક્ષણની નીકળે ત્યારે, કવોલિટી સાથે કોઇપણ બાંધછોડ કોઇપણ સંજોગોમાં ચાલી શકે નહીં. શિક્ષણની કવોલિટી માણસને ગુણવતાસભર બનાવે છે અને આ પ્રકારના કવોલિટી છાત્રો તથા ભવિષ્યના નાગરિકો કોઇપણ પરિવાર, રાજય તથા દેશની કરોડરજ્જૂ પૂરવાર થાય છે. દેશનો તથા રાજયનો સર્વાંગી અને સંતુલિત વિકાસ ગુણવતાસભર નાગરિકોથી જ શકય બને.
છેલ્લાં કેટલાંક દિવસોથી, અખબારો અને સમાચાર ચેનલો તથા સોશ્યલ મિડિયાના તમામ માધ્યમોમાં શિક્ષકોની સજ્જતાનું સર્વેક્ષણ વ્યાપક રીતે છવાયું. આ સજ્જતા કસોટી પાછળ સરકારનો અભિગમ સુંદર છે, ભવિષ્યમાં ગુણવતાસભર શિક્ષકો તૈયાર કરવા માટે જે તાલીમ કાર્યક્રમ અને તાલીમ અભ્યાસક્રમ સરકાર તૈયાર કરવા ઇચ્છે છે, તેની પૂર્વ તૈયારીરૂપે શિક્ષકો કેટલાં સજ્જ છે? તે જાણવું જરૂરી બની જતું હોય છે.કારણ કે, શિક્ષકોની સજ્જતા જ શ્રેષ્ઠ છાત્રો તૈયાર કરી શકે.
શિક્ષકોને કયા વિષયમાં, શું તકલીફો છે ? કઇ બાબતની જાણકારી નથી? વગેરે પ્રશ્નોના જવાબો મેળવવા માટે શિક્ષકોની સજ્જતા જાણવી અનિવાર્ય બની જાય છે. ગુજરાત સરકારે આ માટે જહેમત ઉઠાવી અને સુંદર પ્રયોગ કર્યો. પરંતું સમાજમાં માનનીય સ્થાન ધરાવતાં આપણાં શિક્ષકો આ પરિક્ષામાં નાપાસ થયા. શિક્ષકોએ સજ્જતા કસોટી આપવાનો ઇન્કાર કર્યો! શિક્ષકોએ પરિક્ષાને સ્વમાન અને અપમાન જેવા મુદ્દાઓ સાથે જોડી દઇ ગંભીર ભૂલ કરી. જીવનના દરેક ક્ષેત્રમાં પરિક્ષા જરૂરી હોય છે. પરિક્ષા ફરજીયાત હોય છે. પરિક્ષામાં પાસ થવું પણ ફરજીયાત હોય છે. પરિક્ષાઓને કારણે જ માણસની લાયકાત અને આવડત રેકર્ડ ઉપર આવતી હોય છે. આટલું સાદું ગણિત આપણાં શિક્ષકોને આવડતું નથી?! શિક્ષકો પરિક્ષાથી શા માટે ભાગે છે ? તેઓને પોતાની ક્ષમતા અને સજ્જતા પર ભરોસો નથી?! તેઓમાં આત્મવિશ્વાસનો અભાવ છે?
જામનગરની વાત કરીએ તો, મહાનગરપાલિકા હસ્તકની શિક્ષણ સમિતીના તમામ 402 શિક્ષકો સજ્જતા કસોટીમાં ગેરહાજર રહ્યા હતાં! આ ગુરૂજનો સમાજને શું સંકેત આપવા ઇચ્છે છે ? જો કે, જિલ્લાની પ્રાથમિક શાળાઓના મોટાં ભાગના શિક્ષકોએ સજ્જતા કસોટી આપી. આ ગુરૂજનો અભિનંદનના અધિકારી છે.