કોરોના બીમારીએ વૈશ્વિક મહામારી બની રહી છે. ત્યારે આ મહામારીમાં પણ પોતાનો અંગત સ્વાર્થ સાધવા લોકો યેનકેન પ્રકારે ગેરલાભ લઇ અને ગુનાહિત કૃત્ય આશરે છે. ખંભાળિયા પંથકમાં પણ આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ સહિતની ટોળકી દ્વારા વેક્સિન અંગેના નિયમને આવકનું સાધન ગણી, ડમી સર્ટીફીકેટ આપવા અંગેનું સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જે સંદર્ભે પોલીસે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓ સહિત કુલ છ શખ્સોને દબોચી લઈ, બે દિવસના રિમાન્ડ પર લીધા છે.
આ સમગ્ર પ્રકરણની સિલસિલાબંધ વિગત મુજબ ખંભાળિયા પંથકમાં વિદેશ જવા ઈચ્છતા લોકો તેમજ અન્ય કારણોસર કોવિડ-19 વેક્સિન લીધા વગર આ અંગેના સર્ટીફીકેટની અનિવાર્યતા જણાતી હોવાથી કેટલાક શખ્સો દ્વારા આ અંગેનો ગેરલાભ લઇને સ્થાનિક કર્મચારીઓ સાથે મીલીભગત કેળવી રીતસરનું ડમી સર્ટિફિકેટ બનાવવામાં આવતું હતું.
આ માટે ખંભાળિયાના અર્બન હેલ્થ સેન્ટરમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા ભાણવડના રહીશ એવા વિપુલ નારણભાઈ ચૌહાણ તથા કેસ રાઈટર તરીકે કામ કરતા અકરમ હનીફભાઈ બ્લોચ અને પટ્ટાવાળા તરીકે કામ કરતા તેમજ અહીંના સેવાભાવી તથા રાજકીય કાર્યકર તરીકેની છાપ ધરાવતા તપન ભરતભાઈ શુક્લ દ્વારા સરકારી કચેરીમાં મિલીભગત આચરી, કોવિડ વેક્સિન આપવા માટે નિયુક્ત કરવામાં આવેલા ફિમેલ હેલ્થ વર્કરની જાણ બહાર કોઈપણ રીતે તેમના આઈ-ડી પાસવર્ડનો ઉપયોગ કરી અને કવિડ વેક્સિન મેળવ્યા અંગેના સર્ટિફિકેટ જનરેટ કરવામાં આવતા હતા.
આ માટે તેઓ દ્વારા રૂા. 1,000 થી 2,500 સુધીની રકમ લઈ અને આ વેક્સિન મેળવવા અંગેનું ડમી સર્ટીફીકેટ ઇસ્યુ કરાવી અને આ શખ્સો દ્વારા વેક્સિનના ડોઝ લીધા વગર પ્રમાણપત્ર અપાવી અને વિશ્વાસઘાત કરવામાં આવતો હોવાનું જાહેર થયું છે.
આ માટે ખંભાળિયા તાલુકાના સલાયા ગામે બારલો વાસ ખાતે રહેતો અને અલ નાઝ ટેલિકોમ નામની ટ્રાવેલ એજન્સી અને મોબાઈલ એસેસરીઝની દુકાન ધરાવતો અલ્તાફ હુસેનભાઈ જુસબભાઈ લોરુ (ઉ.વ. 28) નામનો શખ્સ પણ સંડોવાયેલો હોવાનું જાહેર થયું છે. આ શખ્સ પાસેથી પોલીસે સાત ડમી કોવિડ વેક્સિન મેળવ્યા અંગેના સર્ટીફીકેટ પણ કબજે કર્યા છે. એટલું જ નહીં, આ પ્રકરણમાં
સલાયાના અન્ય બે રહીશો શબ્બીર આમદભાઈ ભગાડ અને હાજી ગની હાજી ઈકબાલ સંઘાર નામના બે શખ્સોના નામ પણ ખુલવા પામ્યા છે. આ પ્રકરણમાં વધુમાં જાણવા મળતી વિગત મુજબ સલાયામાં જ આશરે 200થી 250 જેટલા કોરોના વેક્સિન મેળવ્યા વગર આ વેક્સિન મેળવવા અંગેના ડમી સર્ટિફિકેટ બન્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. આ કૃત્ય સંદર્ભે ખંભાળિયાના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મેહુલભાઈ ડી. જેઠવાની ફરિયાદ પરથી સલાયા મરીન પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 120-બી 269, 406,408, 465, 468, તથા 471 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આમ, આ સમાજવિરોધી મનાતા આ કૃત્યનો જિલ્લા એસ.ઓ.જી. પોલીસે પર્દાફાસ કરી, ગઈકાલે રવિવારે ઉપરોક્ત તમામ છ શખ્સોની અટકાયત કરી હતી. જેનો કોવિડ રિપોર્ટ નેગેટીવ આવતા ગતરાત્રે તપાસનીસ અધિકારી પી.એસ.આઈ. પી.સી. સીંગરખીયા દ્વારા ખંભાળિયાની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં આરોપીઓને રજૂ કરી, પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવતા નામદાર અદાલતે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ પ્રકરણમાં અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ તેમજ આ ડમી સર્ટીફીકેટ કેટલા લોકોએ મેળવ્યા છે? તે સંદર્ભે પોલીસે આરોપીઓના મોબાઈલ પરની વિગત મેળવી વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી તથા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીની સુચના મુજબ પી.આઈ. જે.એમ. ચાવડા, પીએસઆઈ પી.સી. સીંગરખીયા, સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ, રાજેન્દ્રસિંહ એમ. જાડેજા, હરદેવસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.