છેલ્લા બે વર્ષનાં સારા ચોમાસા બાદ આ વર્ષે અત્યાર સુધી ચોમાસું નબળું રહેતાં જામનગર સહિત રાજયમાં જળસંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. જામનગર શહેરને પાણી પુરૂં પાડતાં ચાર જળાશયો પૈકી બે જળાશયોમાં માત્ર 3 મહિના જયારે બે જળાશયોમાં છ મહિના ચાલે તેટલું પાણી જ ઉપલબ્ધ છે. જો સારો વરસાદ ન થયો તો જામનગર શહેરમાં પણ જળસંકટ ઉભું થવાની દહેશત સર્જાઇ છે. હાલની સ્થિતિમાં જો કોઇ સુધારો ન થાય તો ચાર મહિના બાદ જામનગર શહેર ફરી એકવાર સંપૂર્ણપણે નર્મદા નીર આધારિત બની જશે.
જામનગર મહાપાલિકાના વોટરવર્કસ વિભાગના આંકડા અને આંકલન મુજબ જામનગર શહેરને પાણી પુરૂં પાડતાં ચાર જળાશયો પૈકી રણજીતસાગરમાં હાલ 417 એમસીએફટી પાણી ઉપલબ્ધ છે. જે ઓકટોબર અંત સુધી ચાલી શકે. સસોઇમાં 301 એમસીએફટી જે પણ ઓકટોબરના અંત સુધી ચાલી શકે. ઉંડ -1માં 1080 એમસીએફટી જયારે આજી-3માં 1340 એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જો આ જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી આપવામાં ન આવે તો આ જળાશયો જામનગરને એક વર્ષ સુધી પાણી આપી શકે અન્યથા છ મહિના સુધી પાણી મળી શકે તેમ છે. આમ સરેરાશ ચારેય જળાશયોમાંથી હાલની ઉપલબ્ધતા અનુસાર આગામી 4 મહિના સુધી જામનગરને પાણી મળી શકે તેમ છે.
જામનગર શહેરની દૈનિક પાણીની જરૂરિયાત કુલ 125 એમએલડી છે. જે સાગરમાંથી 25, સસોઇમાંથી રપ, ઉંડ-1માં રપ, આજી-3માંથી 40 અને નર્મદા લાઇનમાંથી 10 એમએલડી પાણી મેળવીને પુરી કરવામાં આવે છે. જો વરસાદ ન થયો તો જળાશયોની ખાધ નર્મદા પાઇપલાઇન દ્વારા પૂરી કરવી પડશે. અર્થાત્ જામનગર શહેર ફરીથી નર્મદા નીર આધારિત બની જશે. આ ઉ5રાંત શહેરની પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે સૌ ની યોજના અંતર્ગત પણ નર્મદાનું પાણી જળાશયોમાં ઠાલવવાની ફરજ પડશે.
આમ ફરી એક વખત જામનગર શહેર જળ સમસ્યા તરફ ધકેલાઇ રહ્યું હોવાનું જણાઇ રહયું છે. જો સારો વરસાદ ન થયો અને જળાશયોમાં નવું પાણી ન આવ્યું તો આગામી દિવસો ખાસ કરીને આવતો ઉનાળો શહેરીજનો માટે આકરો બની શકે છે.
જામનગર પર જળસંકટ, માત્ર ચાર મહિનાનું પાણી
સાગર અને સસોઇમાં માત્ર ત્રણ મહિનાનું પાણી, ઉંડ-1 અને આજી-3માં છ મહિનાનું પાણી ઉપલબ્ધ : જો વરસાદ ન થયો તો ચાર મહિના બાદ ફરી જામનગર શહેર નર્મદા આધારિત બની જશે : ’તો આવતો ઉનાળો શહેરીજનો અને તંત્ર માટે આકરો બની રહેશે