શ્રાવણ માસમાં સમગ્ર સૃષ્ટિ શિવમય બની જાય છે. શ્રાવણ મહિના દરમિયાન શિવાલયોમાં જળાભિષેક સાથે શિવલિંગનું પૂજન-અર્ચન, રૂદ્રાભિષેક સીહતના આયોજન થતાં હોય છે. છોટીકાશી તરીકે જાણીતા જામનગર શહેરમાં અનેક શિવમધ્દિરો આવેલા છે. સોમવારથી જ્યારે શ્રાવણ માસ ચાલુ થઇ રહ્યો છે. ત્યારે શિવજીને રિઝવવા શિવભક્તો આતુર બન્યા છે. જામનગરના શિવમંદિરોને રોશનીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. ભગવાન મહદેવ જેને આપણે ભોળાનાથ કહીએ છીએ. શ્રાવણ માસની પધરામણી થતાં જ ભક્તોના મનમયૂર નાચી ઉઠે છે અને મુખમાંથી ‘ઓમ નમ: શિવાય’ મંત્ર સરી પડે છે.
શ્રાવણ માસ આવતાની સાથે જ તહેવારોની સિઝન શરૂ થઇ જાય છે. જે દિવાળી સુધી અવિરત રહે છે. છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ એવા જામનગર શહેરમાં સિધ્ધનાથ મહાદેવ, હાટકેશ્વર મહાદેવ, પ્રતાપેશ્વર મહાદેવ, બેડેશ્વર મહાદેવ, નાગેશ્વર મહાદેવ મંદિર સહિત અનેક નાના-મોટા શિવમંદિરો આવેલા છે અને આ શિવ મંદિરોનો અનેરો ઇતિહાસ છે. આ વર્ષે શ્રાવણ માસનો પ્રારંભ જ સોમવારથી થઇ રહ્યો છે. જેને લઇને શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, શ્રાવણી સોમવારના મહાદેવની ભક્તિનું અનેરૂં મહત્વ છે. એવામાં આ વર્ષે શ્રાવણની શરૂઆત જ સોમવારથી થઇ રહી છે. એનાથી વિશેષ શિવભક્તોને શેનો આનંદ જોઇએ…?? શ્રાવણ માસમાં ભક્તજનો અનેક રીતે શિવજીની ઉપાસના કરે છે. શિવ મંદિરોમાં સવાર-સાંજ જળાભિષેક, દુગ્ધાભિષેક, ચંદ્રનાભિષેક સહિત અનેક પ્રકારના અભિષેક કરવા ઉપરાંત રૂદ્રાભિષેક, લઘુરૂદ્રી સહિતની પૂજા અર્ચના સાથે અભિષેક કરી શિવજીને રિઝવવા શિવભક્તો પ્રયાસ કરશે. ભક્તો દ્વારા શિવજીને પ્રસન્ન કરવા પ્રાત:કાળથી રૂદ્રાભિષેકમાં ગંગાજળ, દૂધ, પંચામૃત ચઢાવવામાં આવે છે. શ્રાવણ માસમાં અનેક લોકો આખો મહિનો ઉપવાસ કે એકટાણા કરે છે. શ્રાવણ માસની સાથે રક્ષાબંધન, જન્માષ્ટમી, એવરત-જીવરત વ્રત સહિત અનેક વ્રત, તહેવારો પણ આવે છે. શ્રાવણ મહિનામાં શિવજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. જામનગરમાં સોમવારથી શિવાલયોમાં બમ-બમ ભોલેનો નાદ ગુંજી ઉઠશે. શ્રાવણ માસના સોમવારે શિવજીના શ્રૃંગાર દર્શન સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાશે. શ્રાવણ માસને લઇ છોટીકાશી એવા જામનગર શહેરના શિવમંદિરોને અલૌક્કિ રોશની શણગાર કરાયા છે. જેમાંથી રાત્રીના સમયે શિવાલયો ઝળહળી ઉઠયા છે.