જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામના વાડી વિસ્તારમાં મજૂરીકામ કરતા પરિવારની બાળકીનું વીજશોક લાગતા મોત નિપજ્યું હતું. જામનગર તાલુકાના ખીજડિયા ગામમાં રહેતા શ્રમિક યુવાન મજૂરીકામે જતો હતો તે દરમિયાન બેશુદ્ધ થઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામના વાડી વિસ્તારમાં આવેલા કિશોરભાઈના ખેતરમાં મજૂરીકામ કરતા દાહોદ જિલ્લાના ખજુરિયા ગામના જાનીયા રમણ સગાડા નામના શ્રમિક યુવાનની પુત્રી હિરલબેન (ઉ.વ.7) નામની બાળકી મંગળવારે બપોરના સમયે તેના ખેતરમાં ગાયોના ઢાળિયા પાસે હતી તે દરમિયાન લોખંડની ઝાળીઓ ઉપરનો ઈલેકટ્રીક વાયર તૂટી જતા અડી જવાથી વીજશોક લાગતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો એ.બી. જાડેજા તથા સ્ટાફે બાળકીના પિતાના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર તાલુકાના ખીજડિયા ગામમાં રહેતા અને મજૂરીકામ કરતા મનિષ બાબુભાઈ મકવાણા (ઉ.વ.35) નામના યુવાનને તૂટ-કડતર થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબિયતમાં સુધારો થવાથી રજા આપવામાં આવી હતી. દરમિયાન યુવાન સોમવારે બપોરના સમયે તેના ઘરે એકાએક બેશુદ્ધ થઈ જતાં જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. મૃતકના પિતા બાબુભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.