કલ્યાણપુર તાલુકાના રાણ ગામે સતવારા પરિવારના ભાઈઓની સંયુક્ત માલિકીની 3100 ફૂટ જમીન (વાડો) પચાવી પાડવા સબબ કૌટુંબિક શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા રણછોડભાઈ કાનાભાઈ નકુમ નામના આશરે 52 વર્ષના સતવારા પ્રૌઢ તથા તેમના ભાઈઓના સંયુક્ત માલિકીના વાડો (જમીન) પર તેમના કૌટુંબિક એવા ભીમાભાઈ હરદાસભાઈ નકુમ દ્વારા છેલ્લા આશરે પાંચેક વર્ષથી કબજો જમાવી રાખ્યા રાખવામાં આવ્યો છે.
રાણ ગામના ખાતા નંબર 1215 ના નવા સરવે નંબર 1496 ની આશરે 3100 ફૂટ જેટલી આ જગ્યાની કિંમત રૂપિયા 70,000 દર્શાવવામાં આવી છે. આ જગ્યાને ગેરકાયદેસર રીતે પચાવી પાડવા અંગે રણછોડભાઈ નકુમની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ભીમાભાઈ હરદાસભાઈ નકુમ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણની વધુ તપાસ ડી.વાય.એસ.પી. એસ.એચ. સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
કલ્યાણપુરના રાણ ગામમાં જમીન પચાવી પાડવાના બનાવમાં પોલીસ ફરિયાદ
પ્રૌઢની સંયુક્ત જમીન કૌટુંબિક વ્યક્તિએ પચાવી પાડી


