જામનગર જિલ્લાના ધ્રોલ નજીક આવેલા વાંકિયા ગામ પાસેથી એસઓજીની ટીમે મળેલી બાતમીના આધારે ટ્રક અને કાર સહિતના મુદ્દામાલ સાથે 36 કિલો 900 ગ્રામ નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે ચાર શખ્સોને રૂા.23.80 લાખના મુદ્દામાલ સહિત ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરવા ધ્રોલ પોલીસને સોંપી આપ્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર અને દ્વારકા જિલ્લામાં હાલમાં જ પોલીસે રેઈડ દરમિયાન ગાંજાના જથ્થો ઝડપી લીધાની ઘટનામાં થોડા જ દિવસોમાં વધુ એક મોટો જથ્થો ઝડપાયો છે. આ દરોડાની વિગતમાં જામનગર એસઓજી પીઆઈ એસ.એસ. નિનામા તથા ટીમ દ્વારા મળેલી બાતમીના આધારે ધ્રોલ તાલુકાના વાંકિયા ગામના પાટિયા પાસેથી પસાર થતા એક ટ્રક અને કારને આંતરીને તલાસી લેતા અનિરૂધ્ધસિંહ ઉમેદસિંહ જાડેજા, જેમ્સ જેકબ ક્રિશ્ર્ચન, શાહરુખ ઉર્ફે ભુરો અને જાવીદ કાસમ જામ નામના ચાર શખ્સોની તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.3,69,000 ની કિંમતનો 36 કિલો 900 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી હતી અને તેમની પાસેથી એક ટ્રક અને કાર મળી કુલ રૂા.23,80,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
એસઓજીની ટીમે આ અંગે ચારેય શખ્સોને ગાંજાના જથ્થા અને મુદ્દામાલ સાથે ધ્રોલ પોલીસને સોંપી આપ્યા હતાં અને એનડીપીએસ એકટ હેઠળ ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ માટે ધ્રોલ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી તેમજ આ કાર્યવાહી દરમિયાન અજય, નવાબ અને અજાણ્યા શખ્સ સહિતના ત્રણ શખ્સો નાશી ગયા હોય જેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.