મધ્ય પ્રદેશના વિદિશામાં ગુરૂવાર સાંજે એક મોટી દુ:ખદ ઘટના બની. ગંજબસૌદાની પાસે લાલ પઠાર ગામમાં એક કૂવામાં 30થી વધારે લોકો પડી ગયા. મોડી રાત્રે 10થી વધારે લોકો કૂવાની અંદર ફસાયા છે. તેમને બચાવવા માટે સ્થાનિક પોલીસ અને પ્રશાસનની સાથે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો લાગી છે. ઘટનામાં ઘાયલ થયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે ઘટનાની શરૂઆત એક બાળકના કૂવામાં ડૂબવાથી શરૂ થઈ. 3 લોકોના ડૂબવાથી મોત થયા છે.
બાળકના નાના ભાઈએ શોર મચાવ્યો તો આસપાસના લોકો ભેગા થઈ ગયા. કૂવો ઊં ડો હોવાના કારણે બાળકના બચવાની સંભાવના ઓછી હતી, તેમ છતાં મોહલ્લાનો એક સારો તરવૈયો યુવક કૂવામાં ઉતર્યો પરંતુ તે પાણીમાં વધારે અંદર સુધી ના જઇ શક્યો અને બાળકને શોધી ના શક્યો. ત્યારબાદ ત્યાં રહેલા લોકોએ કૂવામાં જાળ ફેંકવાનો નિર્ણય કર્યો. તેઓ જાળને પાણીમાં નાંખીને અંદર સુધી ડૂબેલા બાળકને બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
ત્યાં સુધી આસપાસના વિસ્તારોમાં બાળકના ડૂબ્યાના સમાચાર ફેલાવા લાગ્યા હતા અને 50-60 લોકોની ભીડ કૂવાની પાસે ભેગી થઈ ગઈ હતી. તમામ કૂવાના કિનારેથી નીચે જોઈ રહ્યા હતા. કૂવાની ધાર તેટલું વજન સહન કરી શક્યા નહીં અને પડી ગઈ. આ સાથે જ 20થી વધારે લોકો કૂવામાં પડી ગયા. નજરે જોનારાએ કહ્યું કે, કેટલાક લોકોને બચાવવામાં આવ્યા છે. એક ઘાયલ યુવકે જણાવ્યું કે કૂવાની ધાર પહેલાથી જ ક્ષતિગ્રસ્ત હતી અને આની જાણકારી સરપંચને પણ આપવામાં આવી હતી. આ ઘટના ગઇકાલે સાંજે 6:30 વાગ્યે બની અને સંયોગથી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ ગુરૂવારના વિદિશામાં જ હતા. તેમની ત્રણ દત્તક દીકરીઓના ગણેશ મંદિરમાં લગ્ન હતા. ઘટનાની જાણકારી મળતા જ મુખ્યમંત્રીએ ત્યાંથી જ અધિકારીઓને જરૂરી નિર્દેશ આપ્યા. તેમણે દિલ્હી જવાનો પોતાનો કાર્યક્રમ પણ રદ્દ કર્યો.