અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં પીટીસી કોલેજ પાસેના મારવાડી વાસમાં રહેતાં પનાભાઈ ભાટી નામના શ્રમિક યુવાનનો પુત્ર શંકર (ઉ.વ.17) નામનો તરૂણ મંગળવારે બપોરના સમયે દરેડમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સામેના રોડ પર સાઈકલ લઇ રોડ ક્રોસ કરતો હતો તે દરમિયાન લાલપુર તરફથી પૂરઝડપે બેફીકરાઈથી આવતા જીજે-10-ટીટી-7242 નંબરના ટ્રકચાલકે સાઈકલસવારને ઠોકરે ચડાવી હડફેટે લેતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતમાં તરૂણનું મોત નિપજતા ચાલક ટ્રક મૂકી નાશી ગયો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના કાકા મોતીભાઈના નિવેદનના આધારે ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.