ભારતની સરહદે ચીને સૌથી શક્તિશાળી સ્ટીલ્થ બોમ્બર લડાકુ વિમાન એચ-20નું પરીક્ષણ શરૂ કર્યું છે. આ લડાકુ વિમાનોનું પરીક્ષણ ચીનના હોતાન એરબેઝથી થયું હતું અને લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલના આકાશને આ વિમાનોએ ધમરોળ્યું હતું. આ છેલ્લાં તબક્કાનું પરીક્ષણ થઈ રહ્યું છે. ચીને શિયાન એચ-20 સ્ટીલ્થ બોમ્બર લડાકુ વિમાનોનું છેલ્લાં તબક્કાનું પરીક્ષણ શરૂ કર્યું છે. ભારતની સરહદેથી નજીક આવેલા હોતાન એરબેઝથી આ વિમાનોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેના કારણે ભારત-ચીનની સરહદે આકાશ ગાજી ઉઠયું હતું.
ચીન એચ-6 પ્રકારના વિમાનોને રિપ્લેસ કરીને એચ-20 સ્ટીલ્થ બોમ્બર લડાકુ વિમાનોને વાયુસેનામાં સામેલ કરશે. સ્ટીલ્થ બોમ્બર પ્રકારના લડાકુ વિમાનો રડારમાં પકડાયા પહેલાં જ હુમલો કરવા સક્ષમ છે. ડિફેન્સ એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે ભારતે રફાલ વિમાનોને વાયુસેનામાં સામેલ કર્યા તે પછી ચીને એચ-20નું પરીક્ષણ ઝડપી બનાવ્યું હતું. આઠમી જૂનથી ચીને પરીક્ષણ શરૂ કર્યું હતું અને આ પરીક્ષણ છેક 22મી જૂને પૂરું થશે.
22મી જૂને ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપનાને 100 વર્ષ પૂરા થતાં હોવાથી એ દિવસે જ સ્ટીલ્થ લડાકુ વિમાન એચ-20ને સૈન્યમાં સામેલ કરવાની જાહેરાત થાય એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આ સ્ટીલ્થ લડાકુ વિમાનો વધારે વજન વહન કરવા સક્ષમ છે અને વધારે અંતર સુધી હુમલો કરવા સક્ષમ છે. ચીન તેના એરબેઝ પરથી જો વિમાનની મદદથી હુમલો કરે તો એ અમેરિકાના હવાઈ સુધી હુમલો કરવા સક્ષમ હોવાનો દાવો થઈ રહ્યો છે. એટલે કે 8000થી 9000 કિલોમીટરના અંતર સુધી હુમલો કરવાની ક્ષમતા આ વિમાનોમાં હોય છે.
આ લડાકુ વિમાનો પરમાણુ હુમલો પણ કરી શકે છે. આ લડાકુ વિમાનો ચીનની વાયુસેનામાં સામેલ થશે એટલે તેની ક્ષમતા અનેક ગણી વધી જશે. ભારત માટે ચિંતાનો વિષય એ બનશે કે ચીન એચ-20ની મદદથી ભારતના કોઈ પણ ખૂણાને નિશાન બનાવવા સક્ષમ થઈ જશે. વળી, તે રડારને ચકમો આપી શકે તેમ હોવાથી વધારે સાવચેતી રાખવી પડશે.
અમેરિકાના સંરક્ષણ વિભાગે એચ-20 સ્ટીલ્થ વિમાનો બાબતે અહેવાલ આપ્યો હતો એ પ્રમાણે ચીનનું આ લડાકુ વિમાન 5281 માઈલ એટલે કે અંદાજે 8500 કિલોમીટર સુધી હુમલો કરવા સક્ષમ છે. તે હિસાબે ચીનનું આ લડાકુ વિમાન અમેરિકન નૌકાદળ ગુઆમ સુધી હવાઈ ટાપુ સુધી હુમલો કરવા સક્ષમ છે. અમેરિકાના સંરક્ષણ વિભાગના અધિકારીઓએ આ એચ-20 સ્ટીલ્થ વિમાનોને અમેરિકા અને ભારત-જાપાન જેવા મિત્ર રાષ્ટ્રો માટે ખતરારૂપ ગણાવ્યા હતા. આ વિમાનો અમેરિકાના બી-2ની નકલ જેવા દેખાય છે. એચ-20માં 10 ટન વજનના હથિયારો લાદવાની ક્ષમતા છે.