અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે જમીન ખરીદીમાં ટ્રસ્ટ દ્વારા કથિત ભ્રષ્ટાચારના આક્ષેપોનો જવાબ આપતાં રામજન્મભૂમિ ટ્રસ્ટના સચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, અયોધ્યામાં મંદિર નિર્માણ માટે બધી જ જમીન ખરીદી સંપૂર્ણપણે પારદર્શી છે અને વર્તમાન બજાર મૂલ્ય કરતાં ઓછા ભાવે ખરીદવામાં આવી છે. બીજીબાજુ વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું કે આ આક્ષેપો રામને કાલ્પનિક ગણાવનારા તથા દરેક તબક્કે ભવ્ય મંદિર નિર્માણમાં અવરોધો ઊભા કરનારા લોકો કરી રહ્યા છે. રામજન્મભૂમિ ટ્રસ્ટના સચિવ ચંપત રાયે કહ્યું કે રામ મંદિર માટે બધી જ જમીન ખરીદી સંપૂર્ણપણે પારદર્શી છે. બધી જ લેવડ-દેવડ બેન્ક ખાતા મારફત થઈ છે. એટલું જ નહીં બધી જ જમીન વર્તમાન બજાર મૂલ્ય કરતાં ઓછા ભાવમાં ખરીદવામાં આવી છે. જે જમીનના વિવાદની વાત થઈ રહી છે તેનું વર્તમાન મૂલ્ય અંદાજે રૂ. 20 કરોડ છે. વર્ષ 2011માં આ જમીનના માલિક કુસુમ પાઠક અને હરીશ પાઠકે તે સમયના બજાર મૂલ્યના હિસાબે બે કરોડ રૂપિયામાં સુલ્તાન અંસારી અને રવિ મોહન તિવારીની તરફેણમાં ’એગ્રીમેન્ટ ટુ સેલ’ કર્યા હતા. નવ વર્ષના સમય સાથે સુપ્રીમ કોર્ટના ચૂકાદા અને શ્રીરામજન્મભૂમિ મંદિર ટ્રસ્ટ તથા ઉત્તર પ્રદેશ સરકારે નવી અયોધ્યાની રચનાનું કામ હાથ પર લેતાં ત્યાં જમીનના ભાવ અનેક ગણા વધી ગયા હતા.
આ જમીન અયોધ્યા રેલવે સ્ટેશન પાસે પ્રાઈમ લોકેશન પર છે. ટ્રસ્ટે આ જમીન માટે કુસુમ પાઠક, સુલ્તાન અંસારી અને રવિ મોહન તિવારી સાથે વાત કરી. આ જમીન ત્રણમાંથી કોઈ એક એકલા વેચી શકે તેમ નહોતા. તેથી એવો નિર્ણય લેવાયો કે એગ્રીમેન્ટ ટુ સેલ મુજબ કુસુમ પાઠક સુલ્તાન અંસારી અને રવિ મોહન તિવારીને આ જમીન વેચે અને પછી મંદિર ટ્રસ્ટ તેને વર્તમાન બજાર ભાવથી ખરીદી લેશે. આ બંને કામ એક સાથે જ કરવાનું નક્કી કરાયું હતું. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે જમીન ખરીદીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનારા નેતાઓ પર આકરો પ્રહાર કરતાં વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના કાર્યાધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે આ એ જ રામદ્રોહી લોકો છે, જે રામને કાલ્પનિક ગણાવી રહ્યા છે તથા દરેક તબક્કે ભવ્ય મંદિર નિર્માણમાં અવરોધો ઊભા કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં રાજકીય લાભ મેળવવા માટે વિપક્ષ દ્વારા આધારહીન આક્ષેપો કરાયા છે. તેઓ દાયકાઓથી રામ મંદિર આંદોલન સાથે સંકળાયેલા ચંપત રાય જેવા લોકોના સંઘર્ષની છબી બગાડવા પ્રયાસ કરી રહ્યા છે. આપ નેતા સંજય સિંહના આક્ષેપો અંગે તેમણે કહ્યું કે, તેમનો રેકોર્ડ રહ્યો છે કે તેઓ આરોપ મૂકે છે, તેમના પર કેસ થાય છે અને તે માફી માંગી લે છે.