કોરોનાની બીજી લહેર ધીમે ધીમે નબળી પડી રહી છે તેવામાં ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે ગુજરાત સરકાર દ્રારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ત્રીજી લહેરને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાના 1 અને 2 વેવ સામે ઝઝુમી રહ્યા છીએ. સેકન્ડ વેવમાં આટલા બધા કેસ આવશે તેણી કલ્પના ન હતી. કેસો વધતા નાની મોટી સમસ્યાઓ પણ થઈ. આપણે ઝડપી નિર્ણયો કરીને કોરોનાંને કાબુમાં લીધો. ધારણા છે કે ત્રીજી વેવ આવશે. તેની તૈયારીઓ કરી લીધી છે.
સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે પ્રથમ લહેરમાં મહત્તમ 1900 કેસ હતા, બીજી લહેરમાં મહત્તમ 15000 જેટલા કેસો હતા તેને ધ્યાને લઇને ત્રીજી લહેરમાં રોજેના 25000 કેસ અને અઢીલાખ એક્ટીવ દર્દીઓની સંભાવના રાખીને એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. જેમાં દવાના સ્ટોકની વિગતો કે કેટલો ખર્ચ થશે તે વિગતો આપવામાં આવી ન હતી.
ત્રીજી લહેરને લઇને સીએમ રૂપાણીએ જણાવ્યું છે કે ત્રીજા વેવ માટે ફીડબેક ઇન્ટેલિજન્સ બનાવાશે, નાના ગામડાઓમાં પણ ધ્યાન અપાશે. કોરોનાની સારવાર માટે 1800 જેટલી હોસ્પિટલનો સમાવેશ થાય છે તે 2400 કરવામાં આવશે. ICU 15000 બેડ હતા તેમાં વધારો કરવામાં આવશે. પીડિયાટ્રિક વેન્ટિલેટરની સંખ્યા વધારવામાં આવશે. હોસ્પિટલમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ તૈયાર કરાશે આ અંગે ડોક્ટર સ્ટાફને ટ્રેનિંગ અપાશે. વેન્ટિલેટર 7હજારથી વધારીને 15હજાર કરાશે, 10હજાર નર્સિંગ સ્ટાફમાં વધારો કરવામાં આવશે. 2000 જેટલા પીડિયાટ્રીક બેડ ઉભા કરવામાં આવશે. આ ઉપરાંત બી જે મેડિકલ કોલેજમાં પણ લેબ ઉભી કરાશે. રેક જિલ્લાની હોસ્પિટલમાં CT સ્કેનની વ્યવસ્થા કરાશે. તેમજ ધનવંતરી અને સંજીવની રથનો વ્યાપ વધારવામાં આવશે. બેડની અવેલીબિટીની માહિતી સેન્ટ્રલ કરવામાં આવે જેથી દર્દીને મદદ પહોંચી શકે. તેમ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ત્રીજી વેવ માટે અનેક ચર્ચાઓ બાદ આ તૈયારીઓ કરી છે. કોર ગ્રુપ મા અમે આ તૈયારીઓ કરી છે. ત્રીજી વેવ આવે કે ન આવે રાજય સરકાર નું આયોજન ઓછું ન હોવું જોઈએ. સંભવિત થર્ડ વેવ અંગે કોઈ રાજ્યે તૈયારીઓ ન કરી હોય તેવા ઘણા રાજ્યો છે. પણ આપણે તૈયારીઓ કરી લીધી છે. સંભવિત ત્રીજી વેવમાં કેટલા કેસ આવશે તે કોઈ કહી શકતું નથી.ત્રીજી વેવની તૈયારીઓ અંગેનો આ એક સંભવિત અંદાજો છે. આ બધુ જ અનુમાન છે. સંભવિત સંખ્યાનાં આધારે અમે આ રોડ મેપ તૈયાર કર્યો. ગયા વખત ઉણપ રહી ગઇ હતી કે દર્દીનાં સગાને પથારી શોધવામાં દોડાદોડી કરવી પડી હતી. ડોક્ટરો અને અન્ય નર્સિંગ સ્ટાફનાં સંભવિત ફિગરનાં આધારે મેડીકલ પેરા મેડીકલ સ્ટાફ વધારવાનું અનુમાન કર્યું છે.