ખંભાળિયા સહિત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હવે ઘટતું જતાં વિવિધ ધર્મ સ્થળો ક્રમશ: અનલોક થઇ રહ્યા છે. ખંભાળિયામાં આવેલી પ્રાચીન અને પ્રખ્યાત એવી મહાપ્રભુજીની સત્તાવનમી બેઠક ખાતે વૈષ્ણવ માટે દર્શન કોરોનાના કારણે છેલ્લા ઘણા સમયથી બંધ રાખવામાં આવ્યા હતા. જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશ મંદિર સહિતના વિવિધ ધર્મસ્થળો હવે સરકારની ગાઈડલાઈન મુજબ ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. આ સાથે ખંભાળિયાની મહાપ્રભુજીની બેઠકજી ખાતે પણ આવતીકાલે રવિવાર તારીખ 13 મી થી દર્શન માટે ખોલવામાં આવશે. અહીંની મહા પ્રભુજીની બેઠકમાં સવારે 8થી 11 તથા સાંજે સાડા પાંચથી સાડા છ વાગ્યા સુધી કોરોના અંગેના નિયમોની અમલવારી સાથે વૈષ્ણવ ભાઈ-બહેનો માટે શ્રીજીના દર્શન ખુલ્લા રાખવામાં આવશે તેમ બેઠકજીના મુખ્યાજી દ્વારા જણાવાયું છે.