ભાણવડ તાલુકાના મોરઝર ગામે ત્રણેક દિવસ પૂર્વે એક મકાનમાં તસ્કરોએ ખાતર પાડી, સોના-ચાંદીના જુદા જુદા રૂપિયા 70.50 હજારની કિંમતના દાગીનાની ચોરી કરીને લઇ ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડથી આશરે દસેક કિલોમીટર દૂર મોરઝર ગામે રહેતા નાથાભાઈ ખીમાભાઈ બગડા નામના 51 વર્ષીય આધેડના મકાનમાં ગત તારીખ 28 મી થી તારીખ 30 મે સુધીના સમયગાળામાં તસ્કરો ખાબક્યા હતા.
તસ્કરોએ નાથાભાઈના રહેણાક મકાનના તાળા તોડી, રૂમના કબાટને વેરવિખેર કરી, અહીં રાખવામાં આવેલો રૂ. 55 હજારની કિંમતનો દોઢ તોલા સોનાનો ચેન, ચાંદીના જુદા જુદા પ્રકારના દાગીનાઓ, સહિતનો મુદ્દામાલ ચોરી કરીને લઇ ગયા હતા.
આમ, રૂપિયા 70,500ના કુલ મુદ્દામાલની ચોરી થવા સબબ ભણવડ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી, અહીંના સી.પી.આઇ.ના વડપણ હેઠળ સ્થાનિક પી.એસ.આઇ. આર.એ. નોયડા તથા સ્ટાફ દ્વારા તસ્કરોને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.