તાઉતે વાવાઝોડાના કારણે કૃષિ ક્ષેત્ર માટે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે પરંતુ તે સિવાય પણ અનેક ક્ષેત્રમાં બારે નુકસાન જાહેર થયું છે તેમાં અગરિયા વર્ગનો પણ સમાવેશ થાય છે. જેના માટે કોઇ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું નથી. તેના કારણે અગરિયાઓને દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઇ છે. મોટાભાગના અગરિયાઓને વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે પાણી ભરાઇ જતા સંપૂર્ણ નુકસાન થવા પામ્યું છે. મીઠા ઉત્પાદન ક્ષેત્રે માળખાકીયથી લઇને વિવિધ રીતે કુલ 250 કરોડથી વધુનું નુકસાન થવા પામ્યાનો અંદાજ છે. કચ્છથી પાટણ સુધીના નાના રણમાં 8 લાખ ટન જેટલું મીઠુ ધોવાઇ ગયાનો અંદાજ છે. અગરિયાઓના સંગઠન ધી ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેકચર્સ એસોસિએશન (ઇસ્મા)ના પ્રમુખ ભરત રાવલ દ્વારા આ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીથી લઇને અન્ય મંત્રીઓને પણ અગરિયાઓને થયેલા નુકસાન સામે વળતરની માગણી માટે લેખિત રજૂઆત કરાઇ છે. જેમાં જણાવાયું છે કે મીઠા ઉદ્યોગ ભાડાપટ્ટાની જમીન ઉપર સ્થાપિત હોવાથી સીધી નાણાકીય સહાયના બદલે સરકારે જમીન મહેસૂલ અને રોયલ્ટી ઉપર બે વર્ષ માટે ભરણું ભરવામાંથી માફી આપવી જોઇએ. નાના અગરિયાઓ કે જેમને મહદ્દ અંશે કે સંપૂર્ણ નુકસાન થયું હોય તેમને સરકાર દ્વારા કુટુંબ દીઠ 75 હજાર રૂપિયા ત્વરિત કેશ ડોલની જાહેરાત કરવી જોઇએ. તે પછી વ્યાજ મુક્ત લોનની બેન્ક દ્વારા વ્યવસ્થા કરવી જોઇએ જેથી તેઓ ફરીથી વાર્ષિક 700થી 800 ટન મીઠાનું ઉત્પાદન કરવા માટે સક્ષમ બને. તે સાથે સોલાર સિસ્ટમ, એચ.ટી. પાવર લાઇન જેવી માળખાકીય જરૂરિયાતો માટે પણ મદદ કરવાની જરૂરિયાત છે. અગરિયા હિત રક્ષક મંચના અગ્રણી હરિણેશ પંડ્યાએ પણ નાના અગરિયાઓને મદદની તાતી જરૂર હોવાનું જણાવ્યું છે. સરકારી તંત્ર દ્વારા જે પધ્ધતિથી કામગીરી કરવામાં આવે છે તે હાલ અગરિયા વર્ગને કેવી રીતે નડી રહી છે તેનું ઉદાહરણ આપતા રજૂઆતમાં જણાવાયું છે કે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેવી હોય કે અન્ય રીતે મદદ લેવી હોય તો તે માટે ભાડાપટ્ટાનો દસ્તાવેજ જરૂરી ગણાય છે. આશ્વર્યની વાત એ છે કે ગુજરાતમાં મીઠાની ભાડાપટ્ટાની જમીનના 75 ટકા જેટલા કરાર રિન્યૂ કરવાના છેલ્લા બે વર્ષથી મહેસૂલ સહિતના વિભાગોમાં અગમ્ય કારણસર પડતર છે.