ખંભાળિયા તાલુકાના સોડસલા ગામના વાડી વિસ્તારમાં રહેતા અને મૂળ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના રહીશ એવા એક પરિવારની સગીરાનું થોડા સમય પૂર્વે અપહરણ થયું હતું. આ અંગે કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામના રહીશ હરભમ લખુભાઈ વાઘેલા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી. જે સંદર્ભે થયેલી પોલીસ કાર્યવાહીમાં ચૂંટણી કાર્ડ ઉપરથી જે-તે સમયે સગીરા પુખ્ત વયની હોવાનું ખુલવા પામ્યું હતું. ત્યારબાદ ભોગ બનનાર સગીરાના વાલી- વારસદાર દ્વારા રાવલ નગરપાલિકા ખાતેથી ભોગ બનનારનો જન્મ તારીખનો દાખલો કઢાવવામાં આવતા તેણીની ઉંમર 17 વર્ષ અને 6 મહિનાની હોવાનું ખુલવા પામ્યું હતું.
આશરે બે માસ પૂર્વેના આ પ્રકરણ સંદર્ભે વિવિધ પરિબળો બાદ સગીરાના માતા દ્વારા ઉપરોક્ત શખ્સ સામે સલાયા મરીન પોલીસમાં પોતાની સાડા સત્તર વર્ષની સગીર પુત્રીને કાયદેસરના વાલીપણામાંથી બદકામ કરવાના ઈરાદે લલચાવી-ફોસલાવીને અપહરણ કરીને લઈ જવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 363, 366 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી સલાયા મરીન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર પી.બી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.


