પીએનબી કૌભાંડનો આરોપી મેહુલ ચોકસી છેલ્લા ત્રણ દિવસથી એન્ટીગુઆ માંથી લાપતા છે. પોલીસ સતત ત્રણ દિવસથી તેની તપાસ કરી રહી છે. છેલ્લીવાર રવિવારે સાંજે 5.15 વાગે તેની કારમાં જોવા મળ્યો હતો. તેની કાર તો મળી ગઈ છે, પરંતુ ચોકસીની કોઈ જાણ મળી રહી નથી.
પંજાબ નેશનલ બેન્કનું 14500 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનાર મેહુલ ચોકસી જાન્યુઆરી 2018માં વિદેશ ભાગી ગયો હતો. બાદમાં જાણવા મળ્યું હતું કે તે 2017માં જ એન્ટિગુઆ-બારબુડાની નાગરિકતા મેળવી ચૂક્યો હતો.
આ મામલે ચોક્સીના વકીલની પણ પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તેની તરફથી પણ કોઈ પ્રતિક્રિયા મળી નથી. ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદીએ કેટલાક બેંક અધિકારીઓ સાથે મળીને પંજાબ નેશનલ બેંક (પીએનબી) માં કરોડોની છેતરપીંડી કરવાનો આરોપ છે.નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં બંધ છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) હાલ આ અંગે તપાસ કરી રહી છે.
પીએનબી કૌભાંડની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) જેવી એજન્સીઓ ચોકસીના પ્રત્યાર્પણ માટે પ્રયાસ કરી રહી છે. તેણે નાદુરસ્ત તબિયતનું કારણ જણાવીને ભારત આવવા બાબતે ઇનકાર કર્યો હતો. કેટલીકવાર તેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂઆત કરી હતી. ભારતમાં તેની ઘણી સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે.