રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખનીજચોરો બેફામ બન્યા છે અને પોતાના આર્થિક લાભ માટે કુદરતી સંપત્તિને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે, પડધરીના હરિપર-ખારી ગામ પાસેથી નીકળતી ડોન્ડી નદીમાં બોટ ઉતારીને ખનીજચોરી થતી હોવાના કૌભાંડનો ખનીજ વિભાગે પર્દાફાશ કરી સાત બોટ અને જનરેટર કબજે કર્યું હતું. ખનીજચોરીમાં બે શખ્સના નામ ખૂલતા તેની શોધખોળ શરૂ કરાઇ છે, જો ખનીજચોરો દ્વારા લાખો રૂપિયાનો દંડ ભરવામાં નહીં આવે તો તેની સામે પોલીસ ફરિયાદની તલવાર ઝળુંબી રહ્યાના નિર્દેશો મળ્યા હતા.
રાજકોટ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગના ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરે જણાવ્યું હતું કે, હરિપર-ખારી ગામ નજીકથી પસાર થતી ડોન્ડી નદીમાં મોટાપાયે ખનીજચોરી થતી હોવાની માહિતી મળતાં ખનીજ વિભાગ અને પોલીસની ટીમ ખાબકી હતી. પોલીસ પહોંચી ત્યારે ડોન્ડી નદીના પશ્ચિમ વિભાગમાં પાંચ મોટી અને બે નાની બોટ મળી આવી હતી તેમજ નદી કાંઠેથી એક જનરેટર પણ મળી આવ્યું હતું. બોટ પાસે હાજર ચાર હિન્દીભાષી શખ્સોને ઉઠાવી લઇને પૂછપરછ કરતાં તેણે સુરેન્દ્રનગર પંથકના યજ્ઞદીપસિંહ પરમાર અને પડધરીના અજિત પટેલના કહેવાથી બોટ મારફત નદીમાંથી રેતીચોરી કરતા હોવાની કબૂલાત આપી હતી.
ખનીજ વિભાગે સ્થળ પરથી સાત બોટ અને જનરેટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ભૂસ્તરશાસ્ત્રી વાઢેરે જણાવ્યું હતું કે, બોટ પર કામ કરી રહેલા શ્રમિકોની કબૂલાત મુજબ ખનીજચોરી થતું હોવાનું સ્પષ્ટ થયું છે.
ડોન્ડી નદીમાંથી પાંચ મોટી અને બે નાની બોટ મળી છે, તેમજ નદી કાંઠે જનરેટર રાખવામાં આવ્યું હતું. ખનીજચોર નાની બોટમાં નદીની મધ્યમાં જઇને એ બોટમાંથી નદીના તળમાં પાઇપ ઉતારી જનરેટરના પ્રેશરથી તળમાંથી રેતી ખેંચવામાં આવતી હતી અને નદીના તળમાંથી આવતી રેતી મોટી બોટમાં ભરવામાં આવતી હતી. અત્યાર સુધીમાં કેટલી ખનીજની ચોરી કરવામાં આવી હતી તે મુદ્દે પણ સૂત્રધાર હાથ આવ્યા બાદ સ્પષ્ટ થશે.
રેતીચોરો ફળદ્રુપ ભેજાં હોય છે: બોટ અને જનરેટરનો પણ ઉપયોગ!
પડધરી-સુરેન્દ્રનગર પંથકના બે સૂત્રધારોના નામ ખુલ્યાં