અમદાવાદના આનંદનગર વિસ્તારમાં પોલીસે આજે અંબરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટી સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. ગુજરાત પોલીસમાં રેકોર્ડમાં સૌ પ્રથમ ગુનો અમદાવાદના આંનદનગર પોલીસે અમ્બરગ્રીસનો ગુન્હો નોંધ્યો છે. આનંદ નગર પોલીસે વ્હેલ અંબરગ્રીસના 5 કિલો ૩૫૦ ગ્રામ જથ્થા સાથે 3 ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. માનવામાં આવી રહયું છે કે, આંતરાષ્ટ્રીય બજારમાં તેની કિમંત અંદાજે ૭ કરોડ થાય છે.
અમદાવાદ આનંદનગર પોલીસ કસ્ટડીમાં 3 આરોપીઓ જેમાં સુમેર સોની, ખાલીદ ઓફી અને શરીફ છીડા નામના ત્રણ શખ્સો પાસેથી ગતમોડી રાત્રે 5 કિલો 350ગ્રામ અંબરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટી મળી આવતા પોલીસે 7 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આરોપીઓની પોલીસે પ્રાથમિક પુછપરછ કરતા સામે આવ્યુ કે, ખાલિદ અને શરિફ નામના બંને આરોપી ભાવનગર અને કેશોદના રહેવાસી છે. તેઓ આ અંબરગ્રીસ લાવ્યા હતા અને રાજસ્થાનના વતની સુમેરની મદદથી તેનુ વેચાણ કરવાના હતા. પરંતુ અમદાવાદમાં આ સોદો પુરો થાય તે પહેલાજ પોલીસે તમામની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો. મહત્વની વાત એ છે કે સુમેર શાકભાજીના ટ્રેડિંગનુ કામ કરે છે. ઉપરાંત ખાલિદ અને શરીફ છુટક મજુરી કરે છે. જેથી આ ૩ માથી એક પણ આરોપી દરિયાઈ કામ સાથે સંકળાયેલો નથી. જેથી વ્હેલ માછલીની અંબરગ્રીસ વેચનાર અને ખરીદનાર બંને આરોપીઓ અલગ અલગ છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
આનંદનગર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી અરવિંદ ઝાલા અને ગોપાલ આયરની માહિતીના આધારે 7 કરોડથી વધુની કિંમતનુ આ અંબરગ્રીસ પોલીસ કબજે કરી શક્યું છે. તપાસ દરમ્યાન આંતરાષ્ટ્રીય રેકેટનો ખુલાસો થઇ શકે છે. જેથી બંને પોલીસકર્મીને DCP દ્વારા ઈનામ આપી બીરદાવાયા છે.
વ્હેલ માછલીઓ સમુદ્રમાં અન્ય માછલીઓનો શિકાર કરીને તેને ભોજન બનાવે છે. પરંતુ પાચનક્રિયા ન થતાં મહીંનાઓ સુધી વ્હેલના પાચનતંત્રમાં આ માછલીઓ ફસાયેલી રહે છે. અને બાદમાં વ્હેલ વોમીટીંગ કરતા સમુદ્રમાં રાસાયણિક પ્રક્રિયા થઇને તે એક પદાર્થનું સ્વરૂપ ધારણ કરે છે. અને બાદમાં આ પદાર્થ પાણીમાં તરવા લાગે છે જેનો ઉપયોગ અતિ મુલ્યવાન અત્તર બનાવવામાં કરવામાં આવે છે. પરંતુ ભારતમાં તેના વહેચાણ પર પ્રતિબંધ છે.