જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં બે માસથી વકરી રહેલાં કોરોના સંક્રમણમાં કોવિડ ગાઇડલાઇનનું ભંગ કરતાં લોકો વિરૂધ્ધ મહાનગરપાલિકા અને પોલીસતંત્રની સંયુકત કામગીરીમાં ગઇકાલ સુધીમાં કુલ 5,388 કેસ નોંધી રૂા.20 લાખ જેટલી રકમનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
જામનગર સહિત સમગ્ર રાજયમાં છેલ્લાં ઘણાં સમયથી કોરોના મહામારીનું સંક્રમણ સતત વધતું જાય છે અને આ મહામારીમાં મૃત્યુઆંક પણ પ્રથમ લહેર કરતાં ઘણો વધારે હતો. પરંતુ છેલ્લાં 10 દિવસથી સમગ્ર દેશમાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. જામનગર શહેરમાં કોરોના મહામારીની ગાઇડલાઇનનો ભંગ કરતાં લોકો સામે મહાનગરપાલિકા અને પોલીસતંત્રના સંયુકત કામગીરી હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી દરમ્યાન શુક્રવારે જામનગર શહેરમાં માસ્ક પહેરિયા ન હોય તેવાં 7 લોકો પાસેથી રૂા.7000 નો દંડ વસુલવામાં આવ્યો હતો. જયારે સોશયલ ડિસ્ટીંગના ભંગના 76 કેસ નોંધી રૂા.17,800નો દંડ વસુલવામાં આવ્યો હતો. આમ, શુક્રવારે કુલ 83 કેસ નોંધી 24,800ના દંડની વસુલાત કરવામાં આવી હતી.
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના મહામારીના કપરાકાળમાં જામનગર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા 22 માર્ચથી 21 મે સુધીના બે માસના સમયગાળા દરમ્યાન માસ્ક ન પહેરનારા 765 લોકો પાસેથી રૂા.7,84,500નો રોકડ દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જયારે સોશયલ ડિસ્ટન્સીંગ ભંગના 4623 કેસ નોંધી રૂા.12,23,540ની રોકડ દંડ પેટે વસુલ કરાઇ હતી. આમ, બે માસ દરમ્યાન કોર્પોરેશનના વિસ્તારમાં કુલ 5388 કેસ નોંધી રૂા.20,08,400નો દંડ વસુલ કરાયો હતો. જયારે આ કાર્યવાહી દરમ્યાન 120 મિલકતો સીલ કરવામાં આવી હતી અને 253 દુકાનો બંધ કરાવવામાં આવી હતી.
જામનગર શહેરમાં 5388 કોવિડ ગાઇડલાઇન ભંગના ગુના નોંધાયા
શુક્રવારે માસ્કના 7 અને સોશયલ ડિસ્ટન્સીંગ ભંગના 76 કેસ: 24,800નો દંડ વસુલાયો: બે માસ દરમ્યાન માસ્કના 765 અને સોશયલ ડિસ્ટન્સીંગ ભંગના 4,623 કેસ: 120 મિલકતો સીલ કરાઇ: 253 દુકાનો બંધ કરાઇ