જામનગર તાલુકાના સીકકા ગામના સરપંચ ઉપર મરણના દાખલા બાબતે થયેલી બોલાચાલી બાદ હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે સામા પક્ષે પણ સરપંચ અને તેના ભાઈએ હુમલો કર્યાની ફરિયાદ નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર નજીકના સિક્કામાં સરમરિયા દાદાના મંદિર પાસે દિપકભાઇ કેશવજીભાઇ ચૌહાણ અને જીતેશ આલજી ચૌહાણ નામના બે શખ્સોએ બોલાચાલી કરી સિમેન્ટની ઈંટ વડે હુમલો કરી માથા અને હાથના ભાગે ઈજા પહોચાડી હતી. આ ઝઘડા વખતે સરપંચના ભાઈ અને અન્ય બે શખ્સોએ વચ્ચે પડી છોડાવ્યા હતા. આ બનાવ બાદ ઘવાયેલ સરપંચને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓને માથામાં તેમજ હાથમાં ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે સરપંચે બંને શખ્સો સામે સિક્કા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પંદર દિવસ પૂર્વે આરોપી દીપકના દાદા ગુજરી ગયા બાદ તેનો મરણનો દાખલો દીપકના મોટા બાપુ નાનજી દેવજી (રહે.રાજકોટ વાળા) લઇ ગયા હતા. જેનું મનદુ:ખ રાખીને બંને શખ્સોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
જયારે સામા પક્ષે દિપકભાઇ કેશવજીભાઇ ચૌહાણએ સરપંચ જગદિશ વાલજી ચૌહાણ અને તાના ભાઈ ધર્મેંન્દ્ર વાલજી ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં દાદા દેવજીભાઇ કરશનભાઇમાં મૃત્યુ બાદ દીપકના કાકા મોતીલાલ દેવજીભાઇ (રહે. રાજકોટ વાળા)એ અરજી આપી હોવાની બાબતની લઈને બોલાચાલી થયા બાદ બંનેએ હુમલો કરી માર મારી ઈજા પહોચાડી હોવાનો આરોપ લગાવાયો છે. પોલીસે આ બનાવ અંગે સરપંચ જગદીશ ચૌહાણ અને સામા પક્ષે દીપક ચૌહાણ નામના બન્ને વ્યકિતઓની સામ-સામી ફરિયાદ નોંધી હેકો એચ.બી. પાંડવ તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.