જામજોધપુર તાલુકાના ધુસલાપરા રોડ પર થી પસાર થતા બાઈકસવાર આડે કુતરુ ઉતરતા કાબુ ગુમાવી દેતા સ્લીપ થવાથી ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર શહેરના કૌશલનગરમાં એકલવાયુ જીવન જીવતા વૃધ્ધનું બેશુધ્ધ થઈ જતા મૃત્યુ થયું હતું.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં રહેતો હતો અને મજૂરી કામ કરતો પરશોતમ કેશુભાઈ મણિયારા (ઉ.વ.30) નામનો યુવાન સોમવારે બપોરના સમયે તેના જીજે-10-બીબી-6153 નંબરના બાઈક પર ધુસલાપરા રોડ પરથી પસાર થતો હતો તે દરમિયાન બાઈક આડે કુતરુ ઉતરતા બચાવવા જતા બાઈક પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેથી બાઈક સ્લીપ થવાથી યુવાનને શરીરે અને માથામાં ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે એએસઆઈ વી.ડી.રાવલિયા તથા સ્ટાફે સંજય ડાભી નામના યુવાનના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના કૌશલનગર વિસ્તારમાં રહેતા અને એકલવાયુ જીવન જીવતા ભીક્ષાવૃતિ કરતા જયકિશન કાંતિલાલ વસેરા (ઉ.વ.63) નામના વૃધ્ધ સોમવારે સવારના સમયે તેના ઘરે બેશુદ્ધ હાલતમાં મળી આવતા આ અંગેની રમણિકભાઈ વાઘેલા દ્વારા જાણ કરાતા હોસ્પિટલે ખસેડાતા જ્યાં વૃધ્ધનું મોત નિપજ્યું હતું. જેના આધારે એએસઆઈ એચ.જે.પરિયાણી તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામજોધપુર તાલુકાના તરસાઈ નજીક બાઈક આડે કુતરુ ઉતરતા યુવાનનું મોત
ધુસલાપરા પાસે અકસ્માત: સારવાર દરમિયાન મૃત્યુ : જામનગરમાં બેશુધ્ધ થઈ જતાં વૃધ્ધનું મોત