જામનગર-રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મ્યુકોર માઇકોસિસ જેવું લાંબુ નામ ધરાવતાં બ્લેક ફંગસ નામના રોગ અંગે સરકારનો એકશન પ્લાન શું છે? રાજયની વડીઅદાલતે સોમવારે સરકારને આમ પુછયું છે.
વડીઅદાલતે બ્લેક ફંગસના રોગ અંગે ચિંતા વ્યકત કરી છે. આ રોગના કેસો ગુજરાતમાં વધી રહ્યા છે. સરકાર સમક્ષ આ નવો પડકાર છે. આ માટે સરકારની તૈયારીઓ શું છે? અને તમામ તૈયારીઓનો રોડ મેપ રેકર્ડ પર રાખવા અંગે હાઇકોર્ટે ગુજરાત સરકારને જણાવ્યું છે. અદાલતે એમ પણ કહ્યું છે કે, ધારોકે, આ રોગના કેસો વધી જાય, તો સરકાર શું પગલાં લેશે? તે અંગે પણ જણાવો.
ન્યાયમૂર્તિ બેલા ત્રિવેદી અને ન્યાયમૂર્તિ ભાર્ગવ કારીયાની બેન્ચે સરકારના પ્રતિનિધિ એવા એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીને કહ્યું છે કે, આ રોગ માટે જરૂરી ઇંજેકશનો પુરા પાડવા અંગે સરકારે ઝડપથી કામ કરવું પડશે. આ ઉપરાંત આ રોગની સારવાર ખાનગી હોસ્પિટલોમાં શકય છે કે, કેમ તે અંગે વિચારવું જરૂરી છે. કમલ ત્રિવેદીએ એમ જણાવ્યું છે કે, આ રોગની સારવાર માટે ત્રણ અલગ અલગ પ્રકારના 1,14,430 ઇંજેકશનનો ઓર્ડર સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
અદાલતે એમ કહ્યું હતું કેસ વધે તો સરકાર પાસે શું રોડમેપ છે? તે બાબત રેકર્ડ પર લાવો. અત્રે નોંધનીય છે કે, વડી અદાલતે સુઓમોટુ(પોતાની ખુદની અરજી) દ્વારા આ મુદ્ો હાથધર્યો હતો. સરકાર વતી કમલ ત્રિવેદીએ એમ કહ્યું કે, ઇંજેકશન સરળતાથી મળતાં નથી. સરકાર ઇંજેકશનો મેળવવા પ્રયત્ન કરી રહી છે. આ ઉપરાંત આ રોગની સારવાર માટે પ્રોટોકોલ જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લાકક્ષાની હોસ્પિટલોમાં અલગ વોર્ડની રચના કરવામાં આવી છે. નિષ્ણાંતોની ટીમ બનાવવામાં આવી છે. નિયત સમયના અંતરે મેડીકલ બુલેટીન જાહેર કરવામાં આવે છે.
અદાલતે કહ્યું કે, આ રોગના જે દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવે છે, તેઓએ ઇંજેકશનના અભાવે સરકારી હોસ્પિટલોમાં જવું પડશે. સરકાર માટે આ એક મોટો અને નવો પડકાર છે તેથી સરકારે પુરી તૈયારીઓ કરવી જોઇએ. આ ઉપરાંત અદાલતે એમ પણ પુછયું કે, ઇંજેકશનના વિતરણ માટે શું વ્યવસ્થા ગોઠવવામાં આવી છે?
અદાલતમાં અરજદારોએ એમ કહ્યું કે, ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને આ રોગ માટે જે સારવારની જરૂર પડે છે તેમાં ખાસ કરીને ઇંજેકશન માટેની કોઇ સિસ્ટમ બનાવવામાં આવી નથી. આ ઉપરાંત ઘણી સરકારી હોસ્પિટલોમાં અને આદિવાસી વિસ્તારોમાં આ રોગના ઇંજેકશન ઉપલબ્ધ નથી.
આ ઉપરાંત અન્ય એક અરજદારે એમ પણ જણાવ્યું કે, આ રોગને નોટીફાઇડ રોગ તરીકે, જાહેર કરવો જોઇએ. ગુજરાત પબ્લીક હેલ્થ એકટ-2009 અંતર્ગત આ રોગને નોટીફાઇડ જાહેર કરવામાં આવે તો કોરોનાની માફક તેના ડેટાનું કલેકશન થઇ શકે અને ડેટા પર સરકારનો અંકુશ રહે. વડી અદાલતે સુનાવણીના અંતે સરકારના પ્રતિનિધિને કહ્યું કે, આ મામલાની સુનાવણી હવે પછી 26મી એ થશે ત્યારે તમોએ સરકાર વતી નોંધ તૈયાર કરવાની રહેશે. અને સરકાર તરફથી સુચનો પણ આપવાના રહેશે.