જામનગરની કોવિડ હોસ્પિટલમાં એક જ નામની બે મહિલાઓના મૃત્યુ થયા બાદ આ બન્ને મહિલાઓના મૃતદેહ અદલા-બદલી થઈ જતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. ત્યારબાદ તંત્ર દ્વારા બન્ને મૃતદેહનો તેમના પરિવારજનોને સોંપ્યા બાદ મામલો થાળે પડયો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં એક જ નામની બે મહિલાના મૃતદેહોની અદલાબદલી થઈ જતા થોડા કલાકો માટે ભારે દોડધામ થઈ ગઈ હતી. જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દાખલ થયેલી ભાવનાબેન જયેશભાઈ અસવા તેથી ભાવનાબેન આરઠીયા બન્નેના મૃત્યુ થયા હતાં અને બન્નેના મૃતદેહને હોસ્પિટલના મોરચરી વિભાગમાં રાખવામાં આવ્યાં હતાં. જ્યાં સેવાભાવી સંસ્થા મોક્ષ ફાઉન્ડેશન દ્વારા મૃતદેહોના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવતી હતી.
પરંતુ સિકયુરિટી વિભાગની મારકૂટના કારણે સેવાભાવી સંસ્થા દ્વારા અંતિમ સંસ્કાર કરવા માટેનું કામ રોકી દેવામાં આવ્યું હતું. દરમિયાન મૃતદેહોની સોંપણીની કામગીરી તેમજ અંતિમ સંસ્કાર માટેની કામગીરી જી. જી. હોસ્પિટલના કોન્ટ્રાકટ બેઈજના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી અને તેઓ દ્વારા ભાવનાબેન કે જે સલાયાના વતની છે તેમનો મૃતદેહ અન્ય પરિવારને સોંપી દેવાયો હતો. જ્યારે બીજા ભાવનાબેનના પરિવારજનો મૃતદેહ સ્વીકારવા આવ્યા ત્યારે તે મૃતદેહ પોતાના પરિવારના ભાવનાબેનનો ન હોવાનું જણાવ્યું હતું. જેથી મામલો સામે આવ્યો હતો અને આખરે તંત્ર દોડતું થયું હતું.
ત્યારપછી પોલીસની મદદ લેવામાં આવી હતી અને બે વાહનોમાં દોડધામ કરી મૃતદેહોની અદલા બદલી કરી જે તે પરિવારને સોંપી દેવામાં આવ્યાં હતાં અને આખરે મામલો થાળે પડયો હતો.
જામનગરમાં એક જ નામની મહિલાઓના મૃતદેહો બદલી ગયા!
પરિવારજનોમાં રોષ: હોસ્પિટલની બેદરકારી બહાર આવી: બન્ને પરિવારજનોને તેમના પરિવારના મૃતકનો મૃતદેહ સોંપાયો