ઉત્તર ભારતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ઘણાં રાજ્યોમાં વરસાદ પડયો હતો, તો ઘણાં રાજ્યોમાં વરસાદી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢમાં વીજળી પડવાના સંખ્યાબંધ બનાવો બન્યા હતા, જેમાં 10નાં મોત થયા હતા. મહારાષ્ટ્રમાં પણ વીજળી પડવાથી એક કિશોરનું મોત થયું હતું. ઉત્તર ભારતનું વાતાવરણ અચાનક બદલાઈ ગયું હતું. ભારે ગરમીમાંથી રાહત મળી હતી. યુપી, બિહાર, દિલ્હી, પંજાબ, ઝારખંડ, તમિલનાડુ જેવા દેશના કેટલાય રાજ્યોમાં વરસાદ પડયો હતો. દિલ્હીમાં ઝરમર વરસાદ પડતાં લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. પૂર્વોત્તરના કેટલાય રાજ્યોમાં 9મી મે સુધીમાં વરસાદ પડવાની આગાહી થઈ છે. આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં તો 9મી મે સુધીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. યુપી અને બિહારમાં તીવ્ર આંધી ઉઠી હતી. તેના કારણે જનજીવન ખોરવાયું હતું. આ રાજ્યોમાં ધૂળની ડમરીઓ જોવા મળી હતી.
દરમિયાન વીજળી પણ પડી હતી. છત્તીસગઢમાં વીજળી પડવાથી પાંચ લોકોનાં મોત થયા હતા. જેમાં એક જ પરિવારના ચાર સભ્યોનો સમાવેશ થતો હતો. તો યુપીમાં પણ કિશોર સહિત ચારનાં મોત વીજળી પડવાથી થયા હતા. ખેતરમાં કામ કરતા હતા એ વખતે વીજળી પડી હતી. એમાં બે નાના બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. મહારાષ્ટ્રના થાણેમાં કિશોરનું મોત વીજળી પડવાથી થયું હતું.
તમિલનાડુમાં આવેલા સત્યમઅગ્લરમ્ ટાઈગર રીઝર્વના વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો. તેના કારણે ગુન્ડેરિપલ્લમ ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. દેશના 15 રાજ્યોમાં 9મી મે સુધીમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, આસામ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઝારખંડ, પશ્વિમ બંગાળ, કેરળ, તમિલનાડુ વગેરેનો સમાવેશ થાય છે. હવામાનમાં પલટો આવ્યો હોવાથી તાપમાનમાં પણ ઘટાડો થયો હતો. દિલ્હીમાં તાપમાનનો પારો ગગડીને 24 ડિગ્રીએ પહોંચ્યો હતો. એ જ રીતે યુપી-બિહાર-એમપી વગેરે રાજ્યોમાં પણ સરેરાશ પાંચ-સાત ડિગ્રી તાપમાન ઘટી ગયું હતું. કેટલાય રાજ્યોમાં 30થી 50 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આગામી દિવસોમાં પવન સાથે ઘણાં રાજ્યોમાં વરસાદ થઈ શકે છે.
ઉત્તર ભારતમાં પ્રિ-મોન્સુન આફત, આકાશી વીજળીએ 10નો ભોગ લીધો
તમિલનાડુના જંગલોમાં ભારે વરસાદ : દેશના 15 રાજ્યોમાં વરસાદની શક્યતા