કોરોનાની બીજી લહેરે ભારતને ઘમરોળી નાખ્યું છે. ભયંકર રીતે વકરી રહેલી આ લહેરને કારણે ભારતમાં સ્થિતિ અત્યંત બદતર બની રહી છે. હેલ્થકેર સિસ્ટમ કોલેપ્સ થવાના આરે પહોંચી ગઇ છે. કેસની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો નોંધાઇ રહયો છે. અનેક રાજયોમાં મિની લોકડાઉન જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. જેને કારણે આર્થિક પ્રવૃત્તિઓને ફરીએકવાર મોટો ફટકો પડી રહ્યો છે. આવા સમયે જો ભારતમાં સ્થિતિ કાબુમાં ન આવે તો તેની અસર સમગ્ર વિશ્વ પર પડી શકે તેમ હોય વિશ્વ આરોગ્ય સંસ્થા સહિતના આખા વિશ્વની નજર ભારત પર મંડાઇ છે. એટલું જ નહીં ભારતની સ્થિતિને લઇને ચિંતાપણ દર્શાવવામાં આવી રહી છે.
અનેક રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાને કરી ચર્ચા
દેશમાં કોરોનાના કેસમાં ખૂબ જ બેકાબૂ ગતિએ વધારો થઈ રહ્યો છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ કારણે શું દેશમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન લાગશે તેવી અટકળોએ જોર પકડ્યું છે. વડાપ્રધાને તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ઝારખંડના મુખ્યમંત્રીઓની સાથે-સાથે પુડ્ડુચેરી અને જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે પણ વાતચીત કરી હતી. ભારતમાં કોરોનાની બીજી લહેરે ભારે તબાહી મચાવી છે. ઓક્સિજન અને બેડની તંગી વચ્ચે કોરોનાના કેસમાં ભારે વધારો થઈ રહ્યો છે. અનેક રાજ્યોએ પહેલેથી જ પોતાના ત્યાં લોકડાઉન, કર્ફ્યુ, નાઈટ કર્ફ્યુ, વીકેન્ડ લોકડાઉન જેવા પગલા ભર્યા છે અને આ બધા વચ્ચે દેશમાં સંપૂર્ણ લોકડાઉન અંગે ચર્ચા થઈ રહી છે.
મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પ્રતિબંધો લાગુ છે. આ તરફ અમેરિકાના ટોપ હેલ્થ એક્સપર્ટ ડો. એન્ટની ફાઉચીએ પણ ભારતે પોતાની વર્તમાન સ્થિતિનો સામનો કરવા તમામ તાકાત કામે લગાવવી પડશે તેમ કહ્યું હતું. જો લોકડાઉન લાગુ થશે તો તે ટ્રાન્સમિશનની ગતિને રોકશે, આ સમયે સરકારે પોતાની પૂરી તૈયારી કરવી જોઈએ. દેશ હાલ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે પરંતુ નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી પણ આપી દીધેલી છે. ભારત સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકારે જ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવશે તે નિશ્ચિત છે તેમ કહ્યું હતું. જો કે, તેમના મતે કોરોનાની ત્રીજી લહેર ક્યારે ત્રાટકશે તેનો અંદાજો ન લગાવી શકાય.
ભારતમાં સ્થિતિ બગડી તો વિશ્વ મુશ્કેલીમાં : અમેરિકી ડિપ્લોમેટ
સંકટની ઘડીમાં દુનિયા ભારતની મદદ માટે આગળ આવી છે. આ વચ્ચે ટોપ અમેરિકી ડિપ્લોમેટ અને યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ નિશા દેસાઇ બિસ્વાલ એ ભારતને લઇને મોટું નિવેદન આપ્યું છે. બિસ્વાલે કહ્યું કે, કોરોના વાયરસ મહામારી વિરૂધ્ધ વિશ્ર્વએ ભારતની સંભવ મદદ કરવી જોઇએ. કારણ કે, જો ભારતમાં સ્થિતિ બગડી તો દુનિયા મુશ્કેલીમાં આવી જશે તેમણે આગળ કહ્યું કે, ભારતે માનવતા માટે દર વખતે મહત્વનું યોગદાન આપ્યું છે. હવે આપણે વારો છે તેની મદદ કરવાનો. ભારતની મૂળની નિશા દેસાઇ બિસ્વાલ 2017 સુધી સાઉથ એશિયાના સ્પેશિયલ સેક્રેટરી હતા. આ સિવાય તેમણે અન્ય મહત્વના દપો પર સેવાઓ આપી છે. હાલ તે યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના અધ્યક્ષ છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં નિશાએ કહ્યું કે, ભારતમાં જે ઝડપથી મહામારી ફેલાઇ, તેનાથી દુનિયા પરેશાન થઇ ગઇ છે. અમેરિકી કંપનીઓએ સૌથી પહેલાં તે અનુભવ્યું કે સ્થિતિ ઝડપથી ખરાબ થઇ રહી છે. ભારતમાં આ કંપનીઓના કર્મચારીઓએ ટોપ મેનેજમેન્ટ સુધી આ વાત પહોંચાડી છે. ત્યારબાદ અમે ભારતની મદદ કરવાનો નિર્ણય લીધો હતો.
આશાવાદ : ભારતમાં બીજી લહેરનો અંત નજીકમાં
કોરોના વાયરસની તબાહીથી આખા દેશમાં ભયનું વાતાવરણ વ્યાપ્યું છે. આ બધા વચ્ચે કોવિડ-19 મામલે ભવિષ્યવાણી કરનારા સરકારના મેથેમેટિકલ મોડેલિંગ એક્સપર્ટ પ્રોફેસર એમ. વિદ્યાસાગરના કહેવા પ્રમાણે 7 મેના રોજ કોરોનાની બીજી લહેર પીક પર પહોંચી શકે છે. આ કારણે હેલ્થ સેક્ટર્સે આ તારીખ પહેલા જ તૈયાર રહેવું પડશે.
પ્રો. વિદ્યાસાગરના મતે આ સપ્તાહના અંતથી કોરોનાના કેસ ઘટવા લાગશે. 7 મેના રોજ કોરોના પીક પર હશે અને ત્યાર બાદ કેસની સંખ્યા ઘટવાનું શરૂ થશે. જો કે, આ લહેર વિભિન્ન રાજ્યોમાં વિભિન્ન સમયે ચરમ પર હશે. સંયુક્ત રીતે જોઈએ તો કોરોનાની લહેર પીક પર છે અથવા તો તેનાથી ખૂબ નજીક છે. પ્રો. વિદ્યાસાગરનો અંદાજો સાચો પડે તો તે સમગ્ર દેશ માટે રાહતની વાત કહેવાય કારણ કે, આ સપ્તાહના અંત સુધીમાં દેશ કોરોનાની બીજી લહેરની પીકને પાર કરી જશે. તેમના કહેવા પ્રમાણે બીજી લહેરની શરૂઆત મહારાષ્ટ્રથી થઈ હતી.
જે રાજ્યો મહારાષ્ટ્રથી દૂર છે ત્યાં કોરોનાના કેસ ધીરે-ધીરે પીક પર આવશે અને તેમનું ડિક્લાઈન પણ સ્લો રહેશે. પરંતુ જે રાજ્યો મહારાષ્ટ્રની નજીક છે ત્યાં કોરોના જલ્દી પીક પર આવશે અને જોખમ પણ જલ્દી જ ઘટવા લાગશે. પ્રો. વિદ્યાસાગરના મતે મે મહિના બાદ કોઈ રાજ્યમાં કોરોના પીક પર નહીં રહે તેવી સંભાવના છે. વધુમાં વધુ આગામી 10-15 દિવસમાં ભારતનું દરેક રાજ્ય પીક પર હશે અને ત્યાંથી જ કેસ ઘટવાની શરૂઆત થશે. કોરોનાની બીજી લહેર જેટલી વધારે ગતિથી ઉપર આવી હતી તેટલી જ ઝડપથી નીચે પણ જશે એવું તેમણે ગાણિતિક મોડેલના આધારે કહ્યું હતું.