સલમાન ખાનની આગામી ફિલ્મ રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ 13 મે, ગુરુવારે રિલીઝ થવાની છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ થિયેટરો અને ઓટીટી પ્લેટફોર્મ પર એક સાથે રિલીઝ કરવામાં આવશે. એક તરફ સલમાનના ચાહકો આ ફિલ્મ અંગે ઘણા ઉત્સાહિત છે, ત્યારે ફિલ્મ નિર્માતાઓ અને સલમાન ખાને રિલીઝ પહેલા જ એક મોટી જાહેરાત કરી છે. ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇઝ અને સલમાન ખાન ફિલ્મ્સે જાહેરાત કરી છે કે તેઓ ફિલ્મ રાધેની કમાણી માંથી દેશભરમાં કોવિડ-19ના રાહતકાર્ય માટે મદદ કરશે.
આ ઉમદા હેતુ માટે સલમાન ખાન ફિલ્મ્સ અને ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડએ ગિવ ઈન્ડિયા સાથે ભાગીદારી કરી છે. તે ફિલ્મની કમાણી માંથી કોરોના દર્દીઓ માટે ઓક્સિજન સિલિન્ડર, દવાઓ અને વેન્ટિલેટરની મદદ કરશે. બંને કંપનીઓએ એમ પણ કહ્યું હતું કે આ કમાણીથી તેઓ એવા મજુરોને મદદ કરશે જેમનું આર્થીક જીવન પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. પ્રવક્તાઓએ આગળ કહ્યું હતું કે ફિલ્મની રિલીઝ ડેટને ટાળવાથી કોઈ મદદ નહી મળે. પરંતુ ફિલ્મ રિલીઝ કરીને તેની કમાણીનો ઉપયોગ કોરોનાની મહામારી સામે લડવા માટે કરવામાં આવે તો વધારે સારું રહેશે.
પ્રભુ દેવા દ્વારા દિગ્દર્શિત ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ માં સલમાન ખાન સાથે દિશા પટણી, રણદીપ હૂડા અને ગોવિંદ નામદેવ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 13 મેના રોજ ‘પે પર વ્યૂ’ ફોર્મેટમાં ઘરે બેઠા જીપ્લેક્સ, એરટેલ ટીવી, ડીટુએચ અને ટાટા સ્કાય પર પણ જોઇ શકાશે. ફિલ્મનું ટ્રેલર અને ત્રણ ગીતો પહેલા જ રિલીઝ થઈ ચૂક્યા છે. બુધવારે આ ફિલ્મનું ટાઇટલ ટ્રેક પણ રિલીઝ કરવામાં આવ્યું છે.