કોરોના સંક્રમણને લીધે એમ્સમાં દાખલ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહને ગુરુવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. 88 વર્ષીય મનમોહન સિંહને 19 એપ્રિલે કોરોના પોઝિટિવ આવ્યા બાદ એમ્સના ટ્રોમા સેન્ટરમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. મનમોહન સિંહને હળવો તાવ હતો અને તે બાદ તપાસ કરાવવામાં આવી હતી. જેમાં કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઇ હતી.
ડો. મનમોહન સિંહ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લઇ ચૂક્યાં છે. મનમોહન સિંહ અને તેમના પત્ની ગુરશરણ કૌરે 4 માર્ચે એમ્સ જઇને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. મનમોહન સિંહ કોરોના સંક્રમિત થતાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પાર્ટીના ઘણા નેતાઓએ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનિય છે કે, થોડા દિવસો અગાઉ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે દેશમાં કોવિડ-19ને કારણે સર્જાયેલી સ્થિતિનો સામનો કરવા માટે પાંચ પગલાં સૂચવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. સાથે જ તેમણે એ વાત પર જોર આપ્યો હતો કે, મહામારીના સામના માટે રસીકરણ અને દવાઓની સપ્લાય વધારવી મહત્વપૂર્ણ રહેશે. નોંધનીય છે કે, ગયા વર્ષે દવાઓના લીધે રિએક્શન અને તાવને કારણે તેમણે એમ્સમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. કેટલાક દિવસો બાદ તેમને હોસ્પિટલમાંથી રજા મળી હતી.


