હાલ ગુજરાત સહીત દેશભરમાં કોવીડની મહામારીના લીધે દર્દીઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તો એક તરફ ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોમાં બેડ ફૂલ થઇ ગયા છે. અને એમ્બ્યુલન્સમાં તેમજ ઘરેથી બેડ લાવીને લોકો સારવાર લેવા માટે મજબુર થઇ રહ્યા છે. તેવામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવક કોરોનાના જે દર્દીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી હોય તેનું રૂ.9000માં સેટિંગ કરી રહ્યો છે.
વિડીયોમાં જોઈ શકાય છે કે યુવક દર્દીઓના સગાસબંધીઓ સાથે રાજકોટની સીવીલમાં રૂ.9000માં દર્દી માટે બેડ ખાલી કરાવી સારવાર આપવાનું કહી રહ્યો છે. આ વિડીઓ વાયરલ થતાં જ લોકોમાં સિવિલ હોસ્પિટલ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. કારણકે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં એક તરફ એમ્બ્યુલન્સની લાંબી લાઈનો લાગી છે અને યુવક સિવિલમાં સારવાર આપવાનું કહી રહ્યો છે. વિડીયોમાં યુવકની દર્દીઓના સગા સાથે વાત ચાલી રહી છે જેમાં દર્દીનાં સગા કહે છે કે, જો અમે આટલા રૂપિયા આપી શકતા હોય તો સ્ટર્લિંગ જેવી પ્રાઇવેટ હોસ્પિટલમાં જ જઈએ ને ? શા માટે સિવિલ હોસ્પિટલમાં આવીએ ? જેના જવાબમાં રૂપિયા માંગનાર યુવક એટલા રૂપિયા તો આપવા જ પડશે તેવું જણાવી રહ્યો છે. જો રૂપિયા આપતા બેડ મળી જતો હોય તો શુ ખરેખર રાજકોટની સિવિલમાં બેડ ખાલી છે કે પછી યુવક લોકો સાથે છેતરપીંડી કરી રહ્યો છે. જેવા અનેક સવાલો ઉઠે છે.