દેશમાં કોરોના વાયરસે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં કોરોના વાયરસના 2.95 લાખથી વધુ કેસ નોંધાયા છે. અમેરિકામાં જે પ્રકારે પરિસ્થિતિ હતી તેવી પરિસ્થિતિ હાલ ભારતમાં સર્જાઈ છે. ભારતમાં અત્યારે કોરોનાના 21.57 લાખ એક્ટીવ કેસ છે.
આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી અનુસાર, માત્ર કોરોનાના કેસમાં વધારો થયો નથી પરંતુ કોરોનાના પરિણામે મૃતક આંક પણ વધી રહ્યો છે. 24 કલાક દરમિયાન દેશભરમાં કોરોનાને કારણે 2023 લોકોએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્ર, દિલ્હી, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં સૌથી વધુ મૃત્યુ થયા છે. 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 351 લોકોનાં મોત થયાં છે જ્યારે દિલ્હીમાં કોરોના દ્વારા 240 લોકો ભોગ બન્યાં છે. તો ગુજરાતમાં 121 દર્દીના મૃત્યુ નીપજ્યા છે.
કોરોનાથી લોકોને બચાવવા માટે, દેશભરમાં રસીકરણ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન, દેશભરમાં 29.90 લાખ લોકોને રસી આપવામાં આવી છે અને અત્યાર સુધીમાં 13 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. સરકારે 1 મેથી તમામ પુખ્ત નાગરિકોને રસી લેવાની મંજૂરી આપી દીધી છે.છેલ્લા 24 કલાક દરમિયાન, દેશભરમાં 16 લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને દેશમાં અત્યાર સુધીમાં 27 કરોડથી વધુ લોકો કોરોનાના ટેસ્ટ કરાવી ચુક્યા છે. દેશમાં કોરોના કેસનો આંકડો 1.56 કરોડ પર પહોંચી ગયો છે.