જામનગર શહેરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં યુવાનના બે સપ્તાહ પૂર્વે થયેલા છૂટાછેડાનું મનમાં લાગી આવતા તેના ઘરે ચૂંદડીથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગરના રામેશ્વરનગરમાં રહેતા વૃદ્ધે મોતિયાની બીમારીથી કંટાળીને તેના ઘરે પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગર શહેરમાં કલેકટર કચેરીમાં ફરજ બજાવતા પ્રૌઢને ચકકર આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા તેનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરમાં સાધના કોલોની રોડ પર આવેલા જડેશ્વર પાર્ક સાઈબાબાના મંદિર સામે રહેતા જેન્તી હસમુખભાઈ આઘેડા (ઉ.વ.29) નામના યુવાનના બે સપ્તાહ પૂર્વે તેની પત્ની સાથે છૂટાછેડા થયા હતાં. આ છૂટાછેડાનું મનમાં લાગી આવતા શનિવારે સવારના સમયે તેના ઘરે ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની મહેશભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઈ એ.જે. પરિયાણી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના રામેશ્વરનગર જલારામ નગરમાં રહેતા સુરેશભાઈ રતીલાલ રાયઠઠ્ઠા (ઉ.વ.74) નામના વૃધ્ધ ચાલી શકતા ન હોય અને કાનમાં સાંભળી પણ શકતા ન હતાં તેમજ મોતિયો હોવાથી આ બીમારીઓથી કંટાળીને શનિવારે રાત્રિના સમયે તેના ઘરે પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પુત્ર રાજેશ દ્વારા જાણ કરાતા હેકો આર.એ. જાડેજા તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જામનગર શહેરમાં સરૂ સેકશન રોડ પર આવેલી કલેકટર કચેરીમાં ફરજ બજાવતા સવજીભાઈ દેવાભાઇ ખીમાણિયા (ઉ.વ.58) નામના પ્રૌઢ ગત શનિવારે બપોરના સમયે તેની ફરજ પર હતા તે દરમિયાન અચાનક બ્લડપ્રેશર વધી જતા ચકકર આવવાથી સારવાર માટે અહીંની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ પ્રૌઢનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની કાનજીભાઇ કાનગડ જાણ કરાતા એએસઆઈ કે.કે. નારિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.