કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર માર્ચ 2021માં હોલસેલ પ્રાઇસ ઇન્ફ્લેશન (જથ્થાબંધ ફુગાવો) છેલ્લા 8 વર્ષની ઓલટાઇમ હાઇ સપાટી 7.39 ટકા પર પહોંચી ગયો હતો. પેટ્રોલ-ડીઝલ અને વીજળીની ઊંચી કિંમતોના કારણે મોંઘવારીમાં અસહ્ય વધારો થયો છે. આ પહેલાં જથ્થાબંધ મોંઘવારી માર્ચ 2013માં 8.6 ટકા નોંધાઇ હતી. ફેબ્રુઆરી 2021માં જથ્થાબંધ ફુગાવો 4.17 ટકા હતો. તેનો અર્થ એ થયો કે એક જ મહિનામાં જથ્થાબંધ મોંઘવારીમાં 3.22 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. જોકે વાણિજ્ય મંત્રાલયનું કહેવું છે કે ફેબ્રુઆરીની સરખામણીમાં જથ્થાબંધ ફુગાવામાં 1.57 ટકાનો જ વધારો નોંધાયો છે. જાન્યુઆરી 2021માં જથ્થાબંધ ફુગાવાનો દર 2.51 ટકા હતો. માર્ચ 2020ની સરખામણીમાં માર્ચ 2021માં ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને બેઝિક મેટલની કિંમતોમાં વધારો નોંધાયો છે.
ફેબ્રુઆરીની સરખામણીમાં માર્ચ મહિનામાં પ્રાઇમરી આર્ટિકલ્સની કિંમતોમાં 0.55 ટકાનો વધારો થયો હતો જ્યારે પેટ્રોલિયમ, નેચરલ ગેસ અને નોન ફૂડ આર્ટિકલ્સમાં અનુક્રમે 8.64 ટકા, 1.9 ટકા અને 0.35 ટકાનો વધારો થયો છે. ઇંધણો અને વીજળીની કિંમતોના ફુગાવા ઇન્ડેક્સમાં 5.28 ટકા સુધીનો વધારો થયો છે જ્યારે કોલસાની કિંમતમાં 0.08 ટકાનો ઘટાડો નોંધાયો છે. મેન્યુફેક્ચર્ડ ઉત્પાદનોના ફુગાવામાં 1.27 ટકાનો વધારો થયો છે.