મૂળ યુપી પંથકનો અને 4 વર્ષ પહેલા પોરબંદરમાં ડ્રગ્સ સાથેની બોટમાં પકડાયેલા અને રાજકોટ જેલમાં ધકેલાયેલા કેદીએ જેલનાં શૌચાલયમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, રાજકોટ સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવેલા દિનેશકુમાર શ્રીદલ યાદવ નામના કેદીએ જેલનાં શૌચાલયમાં બારી સાથે ચાદર બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે પ્ર.નગર પોલીસ મથકના પોસઈ કે.ડી.પટેલ તથા સ્ટાફે હાથ ધરેલી તપાસમાં મૂળ યુપી પંથકનો મૃતક કેદી દિનેશકુમાર યાદવ ચાર વર્ષ પહેલા પોરબંદરમાં ડ્રગ્સ સાથેની બોટમાં 13 શખસ સાથે ઝડપાયો હતો અને રાજકોટને જેલમાં ધકેલવામાં આવ્યો હતો. ચાર વર્ષથી જામીન પણ મળ્યા નહોતા. પરિવારની ચિંતા અને જામીન પર નહીં છૂટતા નાસીપાસ થઈ ગયેલા દિનેશ યાદવે આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું હતું. પોલીસે જરૂરી કાર્યવાહી કરી તેના પરીવારજનોને મૃતદેહ સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી.