અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં શાકમાર્કેટ પાસે આવેલી નેમિનાથ સોસાયટીમાં આજે બુધવારે વહેલી સવારે ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગી અને બ્લાસ્ટ થયો હતો. આગ અને બ્લાસ્ટના કારણે બે માળનું મકાન ધરાશાયી થયું હતું જેમાં બે મહિલાઓના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે જ્યારે ચાર લોકોને ઈજાઓ થતાં ત્રણને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કામગીરી કરી હતી. ઘટનાને પગલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ બે માળના મકાનમાં ગેસનો બાટલો આખી રાત લીકેજ થયો હોય અને સવારે ચા બનાવવા અથવા અન્ય કોઈ કારણોસર ગેસ ચાલુ કરતાં આગ લાગી અને બ્લાસ્ટ થયો હોય શકે જો કે હજી સુધી ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. બે માળના મકાનમાં માલિક અને ભાડુઆત રહેતા હતા.