જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઝડપથી વધી રહી છે. જેના પગલે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા છેલ્લાં ત્રણ દિવસથી 200 થી વધુ થઈ ગઈ છે અને મૃત્યુઆંક પણ મૃત્યુઆંક પણ વધતો જાય છે. હાલમાં વધી રહેલી કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા માટે ઉદ્યોગનગર એસો. દ્વારા આગામી શુક્ર-શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ચરમસીમાએ પહોંચી ગયું છે અને દેશભરમાં દરરોજ દોઢ લાખથી વધુ લોકો આ મહામારીની ઝપટે ચડી રહ્યા છે. ત્યારે મૃત્યુઆંક પણ સતત વધતો જાય છે. જામનગરમાં પણ પરિસ્થિતિ ગત વર્ષની સરખામણીએ ઘણી ગંભીર બની ગઈ છે. જેમાં જામનગરની ગુરૂ ગોબિંદસિંગ કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ થઈ ગઈ છે.
જ્યારે મંજૂર કરાયેલી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત સ્મશાનોમાં પણ અંતિમ ક્રિયા માટે વેઈટીંગ છે આવી કપરી પરિસ્થિતિમાં સરકાર દ્વારા લોકડાઉનની શકયતાઓ નકારી દેવામાં આવતા આ મામલે જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના પ્રમુખ લાખાભાઈ કેશવાલાના જણાવ્યા અનુસાર 16, 17, 18 એપ્રિલ દરમિયાન શુક્ર/શનિ અને રવિ ત્રણ દિવસ જામનગરના ફેસ-1 શંકરટેકરી, ફેસ-2 જીઆઈડીસી દરેડ અને ફેસ-3 જીઆઈડીસીના ઉદ્યોગકારો દ્વારા ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન કરવાનું જણાવ્યું છે.