કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને મંગળવારે 11 રાજયોના આરોગ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજીને કોરોના પર નિયંત્રણના ઉપાયો વિશે ચર્ચા કરી હતી. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તથા મોટા આંદોલનો, આયોજનો અને લગ્નોના કારણે સંક્રમણમાં વધારો થયો છે.કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું કે કોરોના મુદ્દે આગામી 30 દિવસ સૌથી વધુ ગંભીર છે. સંક્રમણના ફેલાવાની ગતિમાં અત્યંત વધારો થાય છે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં તાજેતરના સમયમાં કોર્પોરેશનો, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ યોજાઇ હતી. ગુજરાતમાં આગામી સમયમાં મોરવાહડફ વિધાનસભા બેઠકની ચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી પણ આગામી દિવસોમાં થવાની છે. આ સાથે દેશના પાંચ રાજયોમાં પણ આટલી ગંભીર સ્થિતિમાં ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીઓ ગોઠવવામાં આવી છે અને લગભગ દરરોજ મોટાં નેતાઓની વિશાળ ચૂંટણીસભાઓ અને રોડ-શો થઇ રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું નિવેદન સ્પષ્ટ રીતે સરકાર દ્વારા એ વાતનો સ્વિકાર છે કે, ચૂંટણીઓ પણ દેશમાં કોરોના વકરાવવા પાછળ જવાબદાર છે.અત્રે નોંધનીય છે કે, આ પ્રકારની ટીકાઓ ઘણાં દિવસોથી સોશ્યલ મિડીયામાં થઇ રહી છે અને સરકાર પર માછલાં ધોવાઇ રહ્યા છે. એવાં સમયે કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું આ નિવેદન જાહેર થવા પામ્યું છે.