Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાથી મોતના આંકડાઓમાં ઘાલમેલ !?

જામનગર સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાથી મોતના આંકડાઓમાં ઘાલમેલ !?

કોરોનાના બિહામણા સ્વરૂપ વચ્ચે દરરોજ મોતના સરકારી અને વાસ્તવિક આંકડાઓમાં મોટો તફાવત : કોરોના મોત અંગેની સરકારી વ્યાખ્યા લોકોની સમજણ બહાર

- Advertisement -

જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર વધુ ગંભીર સાબિત થઇ રહી છે. રોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાવવા સાથે મોતનો આંકડો પણ ભયજનક રીતે વધી રહ્યો છે. ત્યારે કોરોનાને કારણે થઇ રહેલાં મોતના જાહેર કરાતાં સરકારી આંકડા અને વાસ્તવિક આંકડાઓ વચ્ચે ભારે તફાવત જોવા મળી રહ્યો છે. રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવતાં મોતના આંકડા સાવ નજીવા જણાઇ રહયા છે. વાસ્તવમાં શહેરો અને ગામડાઓના સ્મશાનોમાં કરવામાં આવતાં કોરોના દર્દીઓના અગ્નિ સંસ્કારોના આંકડા ખૂબજ ડરામણા જણાઇ રહયા છે. સરકાર દ્વારા જે આંકડાઓ જાહેર કરવામાં આવે છે તેની સામે અનેકગણી સંખ્યામાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જેને કારણે મોતના આંકડાઓને લઇને અનેક વિસંગતતાઓ પ્રવર્તી રહી છે. જામનગર શહેરની જ વાત કરીએ તો છેલ્લાં એક પખવાડિયામાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં દર્દીઓ પૈકી 100 થી વધુ દર્દીઓના મૃત્યુ થઇ ચૂકયા છે. જેનાં કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા છે. જયારે સરકારી ચોપડા સતાવાર રીતે આ સમયગાળા દરમ્યાન કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ નિપજયું નથી. સરકારી આંકડાઓની વાત કરીએ તો જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાથી માત્ર 21 લોકોના મૃત્યુ નિપજયા છે. જયારે ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર 14 વ્યકિતઓના મૃત્યુ નિપજયા છે. આમ સમગ્ર જિલ્લામાં સમગ્ર કોરોનાકાળ દરમ્યાન કોરોનાથી માત્ર 35 વ્યકિતઓના જ મૃત્યુ નિપજયા છે.

- Advertisement -

આ અંગે સરકારી તંત્ર અને સંબંધિત અધિકારીઓ દ્વારા એવો તર્ક આપવામાં આવી રહ્યો છે કે, જે વ્યકિતના મોત માટે માત્ર કોરોના સંક્રમણ જ જવાબદાર હોય તેવા મૃત્યુનો સમાવેશ જ કોરોનાથી થતાં મૃત્યુમાં કરવામાં આવે છે. જયારે કોરોના સંક્રમિત અન્ય જે દર્દીઓના મૃત્યુ થાય છે તેમના મોત માટે કોરોના સંક્રમણ સીધુ જવાબદાર હોતું નથી. અન્ય ગંભીર પ્રકારની બિમારીઓને કારણે દર્દીઓ મૃત્યુ પામે છે. આમ સરકારી તંત્ર દ્વારા કોરોનાથી થતાં મૃત્યુને બે ભાગમાં વહેંચી મૃત્યુઆંક ઓછો દેખાડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તેવું જણાઇ રહયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લે સપ્ટેમ્બર 2020માં કોરોનાથી કોઇ દર્દીનું મૃત્યુ થયું હતું. ત્યારથી અત્યાર સુધી એટલે કે, છેલ્લા સાત મહિનામાં કોરોનાથી એકપણ વ્યકિતનું મૃત્યુ થયું નથી.તબીબો તેમજ સરકારે નકકી કરેલાં કોરોના મૃત્યુના આ ધારાધોરણો સામાન્ય લોકોની સમજમાં આવે તેવા નથી. સામાન્ય રીતે જેમને કોરોના થાય અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને ત્યાં સારવાર દરમ્યાન તે દર્દીનું મૃત્યુ થાય તો તેને કોરોનાથી થયેલું મોત લોકો સમજી રહયા છે. પરંતુ કોરોનાથી મોત અંગેની સરકારની વ્યાખ્યા કંઇક અલગ જ પ્રકારની છે. જે સામાન્ય માણસની સમજણ બહાર છે. ત્યારે અહીં પ્રશ્ર્ન એ ઉપસ્થિત થાય છે કે, કોરોના સંક્રમિત થયા બાદ મૃત્યુ પામનાર દરેક વ્યકિતના મોતને કોરોનાથી થયેલું મોત શા માટે ન ગણવું ?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular